રેલવે સ્ટેશન રોડ, લખધીરવાસ, વિસીપરા, લાતીપ્લોટ અને સાવસર પ્લોટમાં પારાવાર ગંદકી : કોર્પોરેશન બન્યાના 43 દિવસમાં 1478 ફરિયાદમોરબી : મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જોમળ્યા બાદ સ્વચ્છતાપ્રિય મ્યુનિસિપલ કમિશનરના પ્રયાસોને પગલે મોરબી શહેરના રહેવાસીઓને શહેરની દશા સુધરતી જણાઈ રહી છે, અગાઉ મચ્છુ નદીને સ્વચ્છ બનાવવા શહેરીજનોના સાથ સહકારથી અભિયાન ચલાવવામાં આવ્યા બાદ ગુરુવારે મ્યુનિસપિલ કમિશનરે નહેરૂગેટ ચોકથી જુના બસ સ્ટેન્ડ સુધી સફાઇ અભિયાનની સાથે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરતા એક જ દિવસમાં શહેરની શિકલ સુરત બદલાઈ જવા પામી છે, બીજી તરફ મોરબી અપડેટે સત્ય હકીકત ચકાસતા જ્યાં જ્યાં ઝુંબેશ ચાલે ત્યાં સ્વચ્છતા અને બાકીના વિસ્તારોમાં દીવા તળે અંધારું ઉક્તિની જમે આજે પણ ગંદકીના ગંજ ખડકાયેલા હોવાનું તેમજ કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યા બાદ પણ રેલવે સ્ટેશન રોડ જેવા વિસ્તારમાં સફાઈ જ ન થતી હોવાનું સામે આવ્યું છે. સાથે જ કોર્પોરેશન બન્યા બાદ 43 દિવસમાં ગટર, સફાઈ અને સ્ટ્રીટલાઈટની 1478 જેટલી ફરિયાદો નોંધાઇ છે.મોરબી શહેરને 1લી જાન્યુઆરીએ મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ તુરત જ મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્વપ્નિલ ખરેની નિમણુંક કરવામાં આવતા કમિશનરે ચાર્જ સંભાળી લઈ જમીની મેદાન ઉપર ઉતરી ગંદકી ફેલાવતા વેપારીઓને દંડ ફટકારવાથી શરૂઆત કરી પોતે સ્વછતાપ્રેમી હોવાનો સંદેશ આપ્યો હતો. બીજી તરફ મ્યુનિસપિલ કમિશનરે શહેરને સ્વચ્છ સુઘળ બનાવી પુનઃ મોરબી પેરિસની ઉપમાની જેમ જ રળિયામણું બને તે માટે મચ્છુ-2 નદીને સ્વચ્છ બનાવવા શ્રમદાન ફોર મોરબી અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનના બીજા ચરણમાં ગુરુવારે કમિશનરે નહેરૂગેટ ચોકથી જુના બસ સ્ટેન્ડ સુધી સફાઇ અભિયાનની સાથે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરતા સેવાભાવી સંસ્થાઓ અને લોકોનો સહકાર મળતા એક જ દિવસમાં શહેરની રોનક બદલાઈ હોવાની અનુભિતી શહેરીજનોએ કરી હતી.જો કે, મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને તેમની કોર્પોરેશનની ટીમની કામગીરી કાબિલેદાદ છે પરંતુ ચોંકાવનારી હકીકત એ પણ છે કે, મોરબી મહાનગર પાલિકા બન્યા બાદ પણ શહેરના વિસીપરા જેવા પછાત વિસ્તાર, લાતીપ્લોટ જેવા ઔદ્યગિક વિસ્તાર, હોસ્પિટલ હબ જેવા સાવસર પ[પ્લોટ વિસ્તાર ઉપરાંત શહેરના રેલવે સ્ટેશન રોડ, આસ્વાદ પાન ચોક, સામાકાંઠાના વિસ્તાર, લાયન્સનગર, રોહિદાસપરા અને લખધીરપરા ચોકમાં ગંદકીના ગંજ ખડાયેલા હોવાની સાથે જ અહીં ઉભરાતી ગટર અને કચરાના ઉકરડા ક્યારેય હટતા જ નથી. આસ્વાદ પણ સામેથી કોર્પોરેશને કચરા હટાવ્યાંના થોડા સમયમાં જ ફરી ગંદકી છવાઈ છે તો જ્યાં અનેક હોસ્પિટલો આવેલ છે તેવા સાવસર પ્લોટમાં જ તો લોકો પગપાળા ચાલીને પસાર ન થઇ શકે તેવા ગટરના પાણી કાયમી ભરાયેલા રહે છે.હવે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સફાઈ અભિયાન : મ્યુનિસિપલ કમિશનર મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યુ કે શ્રમદાન ફોર મોરબી કાર્યક્રમ અંતર્ગત દર બીજા અને ચોથા ગુરૂવારે મુખ્ય વિસ્તારમાં સફાઈ કરવામાં આવી રહી છે જે અન્વયે અગાઉ મચ્છુ નદીની સફાઈ કર્યા બાદ નહેરુગેટ ચોકથી જુના બસ સ્ટેન્ડ સુધીની સફાઈ કરવામાં આવી છે. હવે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ સફાઈ કરવામાં આવશે. તેઓએ નાગરિકોને પણ સહકાર આપવા અપીલ કરી નગરદરવાજો શહેરની ઓળખ હોય સ્વચ્છતા જાળવવા તેઓએ અપીલ કરી હતી.કોર્પોરેશન બન્યાના 43 દિવસમાં ગટર, લાઈટ સફાઈની 1478 ફરિયાદો મોરબી શહેરને 1લી જાન્યુઆરી 2025ના રોજ મહાનગર પાલિકા તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ 12 ફેબ્રુઆરી સુધીમાં મોરબી શહેરમાં સફાઈ, ગટર ઉભરાવી, અને સ્ટ્રીટલાઈટ ન હોવાં અંગેની ફરિયાદોનો ધોધ વહ્યો છે અને કુલ 43 દિવસમાં કોર્પોરેશન સમક્ષ 1478 ફરિયાદો આવી છે જેમાં ગટર ઉભરાવાની 920, સ્ટ્રીટ લાઈટ અંગેની 373 તેમજ સફાઈ ન થતી હોવાની 185 ફરિયાદો નોંધાઈ હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. સાથે જ મોરબીમાં વિવિધ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કુંડીઓ ખુલ્લી હોય ઢાંકણ ઢાંકવા માટે પણ 140 જેટલી ફરિયાદો મળી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, છેલ્લા 15 દિવસ જેટલા સમય ગળામાં મોરબી મહાનગર પાલિકાને ગટર ઉભરાવાની જ દૈનિક 30 જેટલી ફરિયાદો મળી રહી હોવાનું સામે આવ્યું છે.