ટંકારા : રાજકોટ-મોરબી હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે ટંકારાથી થોડે દૂર જબલપુરના પાટિયા પાસે એક જીજે 10 ટી વી 6655 (GJ-10-TV-6655) નંબરનો ટ્રક અચાનક રોડની સાઈડમાં ઉતરી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને રાહદારીઓએ બચાવ્યો હતો. મળતી વિગતો મુજબ, ટ્રક રોડની સાઈડમાં ઉતરી જતાં પલટી ખાઈ ગયો હતો, જેના કારણે ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. અકસ્માત જોઈને રાજકોટ તરફ જઈ રહેલા રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ ડ્રાઈવરને સુરક્ષિત રીતે કેબિનમાંથી બહાર કાઢ્યો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રકને મોટું નુકસાન થયું છે, પરંતુ સમયસર મદદ મળી રહેતા ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો. હાઈવે પર ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં મોટી જાનહાનિ થતા સહેજમાં અટકી હતી. અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.