ટાયરમાં પંચર કરાવ્યા બાદ ટાયર ફિટ કરતી વેળાએ બનેલી ઘટનામોરબી : મોરબી - કચ્છ હાઈવે ઉપર નાગડાવાસ ગામના પાટિયા પાસે વિચિત્ર બનાવમાં ટાયર પંચર કરાવ્યા બાદ ટાયર ફિટ કરતી વેળાએ ટાયર ફાટવાથી લોખંડની રિંગ છટકીને ટ્રક ચાલકને લાગતા ગંભીર ઇજા થવાથી રાજસ્થાનના વતની ટ્રક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - કચ્છ નેશનલ હાઇવે ઉપર નાગડાવાસ ગામના પાટિયા પાસે આવેલ બંસી હોટલના ગ્રાઉન્ડ ખાતે પંચરની દુકાને પંચર કરાવ્યા બાદ રાજસ્થાનના વતની ટ્રક ચાલક કાલુસિંહ તુલસાસિંહ રાવત ઉ.26 નામનો યુવાન ટ્રકમાં ટાયર ફિટ કરતો હતો તે વેળાએ ટાયર ફાટતા ટાયરમાં રહેલી લોખંડની રિંગ છટકીને કાલુસિંહનર લાગતા ગંભીર ઇજાઓ પહોંચતા કાલુસિંહનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.