ટ્રક ન રોકતા પીછો કરીને પકડ્યો તો ડ્રાઈવરે પાઇપ વડે હુમલો કર્યો: ગાર્ડને માથામાં ટાંકા આવ્યા, આરોપી ટ્રક મૂકીને ફરારમોરબી અપડેટ : મોરબી-માળિયા નેશનલ હાઇવે પર ફરજ બજાવી રહેલી RTO ની ટીમ પર એક ટ્રક ચાલકે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ચેકિંગ માટે ટ્રક ઉભો ન રાખતા ટીમે પીછો કરીને ટ્રક રોકાવ્યો હતો, જેમાં ઉશ્કેરાયેલા ચાલકે લોખંડના પાઇપ વડે હુમલો કરી જી.એસ.એફ. ગાર્ડનું માથું ફોડી નાખ્યું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી RTO વિભાગમાં મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા અપુર્વભાઈ સુરેશભાઈ પ્રજાપતિ ગત તારીખ 23/09/2026 ના રોજ પોતાની સરકારી ગાડીમાં જી.એસ.એફ. ગાર્ડ કનુભાઈ ગંગદાસભાઈ ગઢવી અને રૈયાભાઈ હિન્દુભાઈ સુસરા સાથે પેટ્રોલીંગમાં હતા. રાત્રિના સવા નવેક વાગ્યાના અરસામાં મોરબી-માળિયા નેશનલ હાઇવે પર ટીંબડી પાટિયા નજીક તેઓએ એક ટ્રક કન્ટેનરને ચેકિંગ માટે ઉભો રાખવા ઈશારો કર્યો હતો. પરંતુ ટ્રક ચાલકે વાહન ઉભું રાખ્યું ન હતું.RTO ની ટીમે સરકારી વાહનથી પીછો કરીને ભરતનગર પટેલ સમાજ વાડી પાસે ટ્રકને ઓવરટેક કરી સાઇડમાં ઉભો રખાવ્યો હતો. અપુર્વભાઈએ નીચે ઉતરીને ટ્રક ચાલકને પૂછપરછ માટે નીચે ઉતરવાનું કહેતા ચાલક લોખંડનો પાઇપ લઈને નીચે ઉતર્યો હતો અને ઉશ્કેરાઈ જઈને અપુર્વભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. આ દરમિયાન બચાવ માટે આવેલા ગાર્ડ રૈયાભાઈને ટ્રક ચાલકે ડાબા લમણાના ભાગે લોખંડનો પાઇપ ફટકારી દીધો હતો, જેનાથી રૈયાભાઈને લોહી નીકળવા લાગ્યું હતું.હુમલો કર્યા બાદ અંધારાનો લાભ લઈને ટ્રક ચાલક પોતાનો ટ્રક (રજીસ્ટ્રેશન નંબર GJ-39-T-6618) ત્યાં જ મૂકીને નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત ગાર્ડ રૈયાભાઈને તાત્કાલિક મોરબીની સમર્પણ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને માથામાં ટાંકા આવ્યા છે. આ બનાવ મામલે RTO નિરીક્ષક અપુર્વભાઈ પ્રજાપતિએ ફરજમાં રૂકાવટ અને હુમલા અંગે નાસી છૂટેલા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં BNS ની કલમ 121(1) તથા મોટર વાહન અધિનિયમની કલમ 135 અને હથિયારબંધીના જાહેરનામા ભંગ મુજબ ગુનો નોંધાવ્યો છે. આ મામલે આગળની તપાસ PSI કેતનકુમાર હિંમતલાલ અંબારીયા ચલાવી રહ્યા છે.#Morbi #MorbiNews #CrimeNews #RTOAttack #MorbiPolice #MorbiUpdates #MorbiMaliyaHighway #GujaratPolice