સ્વજનની સ્મૃતિમાં વૃક્ષ વાવી ઉછેર કરવા સંકલ્પ મોરબી : માળીયાના ઉદય ગ્રુપ દ્વારા સ્મૃતિ વંદના અંતર્ગત વડીલોની સ્મૃતિમાં વૃક્ષ વાવવા અને ઉછેરવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર વડીલોની યાદમાં ખાખરેચી ગામે વૃક્ષારોપણ કરાયું હતું. માળીયા ખાખરેચી ગામે ઉદય ગ્રુપ દ્વારા કોરોનામાં મૃત્યુ પામનાર લોકોની યાદમાં ધરતીમાના ખોળે એક નાના છોડવાને ઉછેરીને મોટું વટવૃક્ષ બનાવવા માટે એક અલ્પ પ્રયાસ શરૂ કરવા આવ્યો છે અને વૃક્ષ ઉછેર માટે સૌના સાથ અને સહકારની અપેક્ષા રાખી વ્હાલસોયા સ્વજનની યાદમાં એક વૃક્ષ ઉછેરીએ અને બંજર બનતી ધરતીમાતાને લીલીછમ બનાવીએ. આ વૃક્ષના સહારે આપણી આવનારી પેઢીને ઓક્સીજન (પ્રાણવાયુ) માટે તરફડવું ના પડે માટે ચાલો સૌ સાથે મળી વૃક્ષનું જતન કરવા અપીલ કરવામાં આવી છે.