9 કિમિ સુધી ભાડામાં કોઈ વધારો નહીં : 10થી 50 કિમિની મુસાફરી માટે રૂ.1 વધારે ચૂકવવા પડશેમોરબી : નવા વર્ષના પ્રથમ દિવસથી જ મુસાફરી મોંઘી થવાની છે. સરકાર દ્વારા ગુજરાત એસટી ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આજ મધ્યરાત્રિથી જ આ ભાવ વધારો અમલમાં આવશે. આમ આવતીકાલથી હવે મુસાફરોએ બસની ટીકીટ માટે વધુ ખર્ચ કરવો પડશે.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રી એટલે કે 1 જાન્યુઆરી 2026થી 3 ટકા ભાડા વધારાનો અમલ કરવામાં આવશે. જેથી 27 લાખ મુસાફરો પર ભાડાનો બોજ વધશે. મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાના હેતુથી ભાડામાં વધારો કરવામાં આવ્યો હોય તેવું જણાવવામાં આવ્યું છે. લોકલ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો (દરરોજ અંદાજીત 10 લાખ જેટલા) 48 કી.મી. સુધીની મુસાફરી કરે છે. જેમાં 9 કી.મી.સુધીના મુસાફરોને કોઈ ભાડા વધારો થશે નહીં, જયારે 10 કી.મી. થી 50 કી.મી. ના મુસાફરોને રૂ.1/- નો રૂપિયાનો ભાડા વધારો આપવો પડશે. ઉલ્લેખનીય છે કે 9 મહિનામાં બીજી વખત ગુજરાત એસટી ભાડામાં વધારો કરવામાં આવ્યો છે, આ પહેલા 28 માર્ચના રોજ 10 ટકાનો ભાવ વધારો કરવામાં હતો.