રૂપિયા 12.51 કરોડના ખર્ચે એક ફૂટની તોતિંગ સ્ટ્રેન્થ વાળા નવા રોડનું માટેલ મંદિરે ધ્વજારોહણ સાથે 25મી ઓગસ્ટે લોકાર્પણ કોરોના મહામારીમાં ઓક્સિજન પ્લાન્ટ બાદ હવે રોડ નિર્માણમાં પણ ઉદ્યોગકારોનું જાત મહેનત જિંદાબાદ : ઉદ્યોગકારોએ સાડા ત્રણેક કરોડથી વધુનો સહયોગ આપ્યો મોરબી : મોજીલા મોરબી શહેરના લોકો સરકારના સહારે રહેવાના બદલે સ્વબળે કામગીરી કરવાના નવા સૂત્ર સાથે વિકાસની ગાડીને આગળ ધપાવી રહ્યા છે, કોરોના મહામારીમાં ઓક્સિજનની અછત વખતે રાતો-રાત ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરનાર સીરામીક ઉદ્યોગકારોએ હવે આર્થિક યોગદાન આપી સ્થાનિક જિલ્લા પંચાયતના સહયોગ વગર સીધા જ ગાંધીનગરથી 80/20ની યોજના મંજુર કરાવી ઉબડ-ખાબડ માટેલ રોડની 12.51 કરોડથી વધુના ખર્ચે કાયાપલટ કરવામાં સફળ થયા છે.આગામી તા.25ને બુધવારે માટેલધામ ખાતે ધ્વજારોહણ સાથે નવા મજબૂત અને ટકાઉ સિમેન્ટ રોડનું લોકાર્પણ કરવામાં આવશે. મોરબી -વાંકાનેર નેશનલ હાઇવેથી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ માટેલધામને જોડતા 6.5 કિલોમીટર રોડ વર્ષ 2017માં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો પરંતુ એક જ વર્ષમાં ભ્રષ્ટાચારના ભોરિંગે ફુંફાડો મારતા કરોડોના ખર્ચે બનેલ રોડ કોડીની કિંમતનો બની ગયો હતો. બીજી તરફ માટેલ રોડ ઉપર અનેક સીરામીક ફેકટરીઓ આવેલી હોય આ ઉબડ-ખાબડ રોડથી ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ગયા હતા અને ગેરંટીવાળા રોડને ફરીથી બનાવવા અનેક વખત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા છતાં પરિણામ શૂન્ય આવ્યું હતું. દરમિયાન વિશાળ ઉદ્યોગ સમૂહ દ્વારા આવન-જાવનમાં પડતી મુશ્કેલી ઉપરાંત યાત્રાધામ માટેલ ખાતે આવતા સેંકડો શ્રદ્ધાળુઓની મુશ્કેલીનો કાયમી ઉકેલ લાવવા રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ મારફતે 80/20 યોજના મંજુર કરાવી રૂપિયા 12.51કરોડના ખર્ચે સિમેન્ટ રોડનું કામ મંજુર કરાવી ઉદ્યોગકારો દ્વારા પોતાના હિસ્સાના 2.5 કરોડ ઉપરાંત વધારાના એકાદ કરોડનો ખર્ચ કરવાની સાથે -સાથે રોડ નિર્માણ દરમિયાન સિમેન્ટ રોડની મજબૂતી વધે તે માટે નિયમિત પાણી પાવાથી લઈ દરેક બાબતોની તકેદારી રાખવામાં આવી હતી. વધુમાં હાલમાં ઉદ્યોગકારોના સહયોગથી ફક્ત નવ મહિનામાં જ નવો સિમેન્ટ રોડ તૈયાર કરાયો છે જેની લંબાઈ 6.5 કિલોમીટર છે અને પહોળાઈ 7 મીટર અને બન્ને તરફ એક-એક મીટર માટીકામ મળી કુલ નવ મીટર પહોળા માર્ગમાં સામાન્ય રીતે 8 ઈંચ જાડાઈનો રોડ બનતો હોય છે પરંતુ ઉદ્યોગકારોના તન, મન,ધનથી સહયોગ સરકારી યોજનામાં ભળતા આ નમૂનેદાર અને ટકાઉ, મજબૂત રોડ 1ફૂટ જાડો બનાવવામાં આવ્યો છે જેને આગામી પાંચ વર્ષ સુધી કઈ જ થાય તેમ ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આમ, ઉદ્યોગકારોની લોકભાગીદારીથી નિર્માણ થયેલા આ મજબૂત માર્ગનું આગામી તા.25ના રોજ મોરબી સીરામીક એસોશિએશન, માટેલ રોડ સીરામીક ઉદ્યોગકારો, માટેલ સીરામીક વેલી દ્વારા સાંસદ મોહનભાઇ કુંડારીયા અને જિલ્લાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં માટેલ ખોડિયાર માતાજીના મંદિરે ધ્વજારોહણ તેમજ વૃક્ષારોપણ કરી લોકાર્પણ કરવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..