પીટીસી કોલેજના તાલીમાર્થીઓએ વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવાય ? એનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યુંમોરબી : મોરબીની ઓમ વિદ્યાવાસીની પીટીસી કોલેજમાં પ્રાથમિક શિક્ષક બનવા માટે પીટીસીની તાલીમ કે જે હવે ડી.એલ.એડ.તરીકે ઓળખાય છે, એની તાલીમ પ્રાપ્ત કરતાં પ્રથમ વર્ષના 56 જેટલા તાલીમાર્થીઓએ માધાપરવાડી કુમાર- કન્યા શાળાની મુલાકાત લઈ બાલવાટિકાથી ધો.8માં શિક્ષકો દ્વારા ભણાવવામાં આવતા પાઠનું નિરીક્ષણ કર્યું અને જરૂરી નોંધો તૈયાર કરી હતી.શરૂઆતમાં શાળાના પ્રિન્સિપાલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ શાળાનો પરિચય, શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ પીટીસીનું મહત્વ, શિક્ષકોનું મહત્વ, શિક્ષકોના વ્યવસાયની ગરિમા, કેવી રીતે અધ્યયન કરવું અને કેવી રીતે અધ્યાપન કરાવવું તેની વિસ્તૃત સમજ આપી હતી. ત્યારબાદ બધા તાલીમાર્થી 3-3ની જોડીમાં માધાપરવાડી કુમાર અને કન્યા એમ બંને શાળાના બાલવાટીકાથી ધો.8ના વર્ગોમાં બેસીને પાઠ નિરિક્ષણ કરી પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તાલીમાર્થીઓ સાથે કોલેજના પ્રાધ્યાપક કેતન જોષી જોડાયા હતા અને એમને પણ તાલીમાર્થીઓને તાલીમ આપી હતી. સાથે બીજા અધ્યાપકો પણ જોડાયા હતાં.