મોરબીના રાજપર નજીક ટ્રેક્ટરની ટ્રોલી પાછળ અથડાતા થોરાળા ગામના આશાસ્પદ યુવાનનું મૃત્યુ મોરબી : જે ઘરમાં 14 દિવસ પહેલા ઢોલ, શરણાઈના સુરે લગ્ન ગીતોની રમઝટ બોલતી હતી તે જ ઘરમાં આજે હૈયાફાટ રૂદન વચ્ચે પાષાણ હૃદયના માનવીને પણ પીગળાવી દે તેવા કરૂણ રૂદન સાથે માતાપિતાએ બુઢાપાના આધાર સમાન લાડકવાયાને અંતિમ વિદાય આપવામાં આવતા નાના એવા ગામમાં શોક છવાયો છે, મોરબીના થોરાળા ગામમાં આ કરૂણ ઘટના બની છે જેમાં મોડીસાંજે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ભટકાતા આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. ગઈકાલે સાંજે મોરબીથી બાઈક લઈ થોરાળા પોતાના ઘેર જઈ રહેલા કાનાભાઇ રાણાભાઇ રાઠોડ નામના રબારી યુવાનનું રાજપર - ખાનપર રોડ ઉપર બોખલીયા હનુમાનજી મંદિર પાસે ટ્રેક્ટરની ટ્રોલીમાં અથડાતા કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. વિધિની કરુણતા તો એ છે કે, રાણાભાઇ ડાંગરના પુત્ર કાનભાઈના ગત તા.14મી ફેબ્રુઆરીના દિવસે જ લગ્ન થયા હતા અને કાનભાઈના ધર્મપત્નીના હાથની મહેંદી પણ નથી સુકાઈ તેવા સમયે જ કાળની કારમી થપાટે કાનભાઈની જિંદગી છીનવી લેતા રાઠોડ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે થોરાળા ગામના મૃતક કાનાભાઇ રાણાભાઇ રાઠોડ પરિવારનો એકનો એક દીકરો હતા અને આખા પરિવારનું ગુજરાત કાનાભાઇ જ ચલાવતા હોવાનું પણ સ્નેહીજનો જણાવી રહ્યા છે, કાળની થપાટથી રાઠોડ પરિવારનો આધારસ્તંભ છીનવાઈ જતા નાના એવા થોરાળા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને આજે કાનભાઈની અંતિમયાત્રા નીકળતા થોરાળા હીબકે ચડ્યું હતું.