મોરબી : મોરબી જિલ્લામાં વરસાદનું જોર ઘટતાં અને ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણીની આવક નિયંત્રિત થતાં જીકીયાળી ગામ પાસે આવેલા કોઝવે પરથી પૂરના પાણી સંપૂર્ણપણે ઓસર્યા છે, વહીવટી તંત્ર દ્વારા સ્થળની ભૌતિક ચકાસણી કરીને આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે પુનઃ ખુલ્લો મુકવામાં આવ્યો છે. પાણીનો પ્રવાહ ઘટતા જ તંત્ર દ્વારા રસ્તાની સુરક્ષા અને વાહનચાલકોની સલામતીની ખાતરી કર્યા બાદ વાહનોની અવરજવર પૂર્વવત શરૂ કરવામાં આવી છે. આ માર્ગ પુનઃ કાર્યરત થતાં જીકીયારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક સુગમ બન્યો છે, જેનાથી સ્થાનિકોને રાહત મળી છે.હળવદ- સરા માર્ગ પણ ચાલુ કરાયો હળવદ થી સરા માર્ગ પર આવેલા કોઝવે પરથી પૂરના પાણી સંપૂર્ણપણે ઉતરી જતાં, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રસ્તાની સ્થિતિની તાત્કાલિક ચકાસણી કરીને વાહનવ્યવહાર પૂર્વવત શરૂ કરી દેવામાં આવ્યો છે. કોઝવે પરથી પાણી ઓસરી જતાં તંત્ર દ્વારા સલામતીને સુનિશ્ચિતતા કરીને આ રસ્તો તમામ પ્રકારના નાગરિકો અને વાહનો માટે ફરી ખુલ્લો મુકવામાં આવ્યો છે. માર્ગ પુનઃ કાર્યરત થવાથી હળવદ અને સરા વચ્ચેના દૈનિક વાહનવ્યવહાર અને જનજીવન પૂર્વવત બન્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનચાલકોને ચોમાસાની ઋતુ દરમિયાન સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી અધિકૃત સૂચનાઓનું પાલન કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને ચોમાસાની ઋતુ દરમિયાન સાવચેતી રાખવા અને તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓને જ અનુસરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.