મોરબી: મોરબી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા દેવાયતભાઈ ડાંગર, જેઓ મેઘપર ગામના વતની છે, તેમને આજે એક અનોખો અવસર પ્રાપ્ત થયો હતો. તેમને પોતાના જ ગામની પ્રાથમિક શાળામાં, જ્યાં તેમણે શિક્ષણ મેળવ્યું હતું, ત્યાં વિદ્યાર્થીઓને ટ્રાફિક અંગેનું શિક્ષણ આપવાનો મોકો મળ્યો હતો.આ અંગે દેવાયતભાઈએ પોતાનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, જે શાળામાં મેં અભ્યાસ કર્યો, તે જ શાળામાં પોલીસ કર્મચારી તરીકે બાળકોને ટ્રાફિકના નિયમો શીખવવાનો મોકો મળવો મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. દેવાયતભાઈએ ટ્રાફિક સપ્તાહ નિમિત્તે બાળકોને માર્ગ સલામતીના મહત્વના નિયમો વિશે સમજાવ્યું, જેમાં ઝેબ્રાક્રોસિંગનો ઉપયોગ, હેલ્મેટ અને સીટબેલ્ટનું મહત્વ, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળવો અને વાહનની ગતિને નિયંત્રિત કરવી જેવી બાબતો અંગે તમામ માહિતી આપવામા આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નાની ઉંમરથી જ આ નિયમો શીખી લઈએ તે જીવનને સુરક્ષિત રાખવા માટે અત્યંત જરૂરી છે.