ડેમુ ટ્રેન તો બંધ હતી પણ લાંબી માલગાડી ધીમી ગતિએ નીકળી હોવાથી ફાટક લાંબો સમય બંધ રહેતા સર્જાઈ ટ્રાફિક સમસ્યામોરબી: આજે સવારે મોરબી શહેરમાં માલગાડીના કારણે ચાર ફાટક લાંબો સમય બંધ રહેવાના લીધે ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓએ ભારે હાલાકી ભોગવી હતી. સવારે 8:15 થી 10:45 સુધી શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.મળતી માહિતી મુજબ, આજે ડેમુ ટ્રેન બંધ હોવા છતાં, 50 થી વધુ ડબ્બા ધરાવતી એક માલગાડી ધીમી ગતિએ પસાર થઈ હતી. આ માલગાડીના કારણે શહેરના ચાર મુખ્ય ફાટકો - નવલખી ફાટક, વીસી ફાટક, નટરાજ ફાટક અને પોસ્ટ ઓફિસ ફાટક - લગભગ 20 મિનિટ સુધી બંધ રહ્યા હતા. આ ફાટકો બંધ થવાને કારણે ટ્રાફિકનું સંકટ વધુ ગંભીર બન્યું હતું.ટ્રાફિક જામની અસર શહેરના તમામ વિસ્તારોમાં જોવા મળી હતી. રામચોકથી લઈને આખા શહેરમાં અને સામાકાંઠે નટરાજ ફાટકથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. આ ઉપરાંત, અયોધ્યાપુરી નજીક વન-વે રોડ બંધ હોવાને કારણે અને મંગળભુવન ગરબી તેમજ શક્તિ ચોકની ગરબીના કારણે રસ્તા સાંકડા બનતા ટ્રાફિકની સમસ્યા વધુ વકરી હતી. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે ટ્રાફિક પોલીસને પણ ટ્રાફિક ક્લિયર કરવામાં પરસેવો વળી ગયો હતો. આશરે બે કલાકની જહેમત બાદ પરિસ્થિતિ કાબુમાં આવી હતી અને વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો.