વરસાદી ખાડાઓ અને આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા વકરી : વાહનચાલકો પરેશાનમોરબી : મોરબીના રામ ચોકથી લઈને ગાંધી ચોક અને ત્યાંથી સામાકાંઠે જવાના માર્ગ પર આજે સવારથી જ ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. એક તરફ વરસાદના કારણે માર્ગો પર ઠેર-ઠેર પાણી ભરાયેલા છે, જેને લીધે રસ્તા પર રહેલા ખાડાઓ વાહનચાલકોને નજરે પડતા નથી. આ પરિસ્થિતિમાં ટ્રાફિક જામની સમસ્યાએ લોકોની મુશ્કેલીમાં મોટો વધારો કર્યો છે. સામાન્ય દિવસોમાં પણ અહીં ટ્રાફિક રહેતો હોય છે, પરંતુ આજે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની હતી. ટ્રાફિક પોલીસ આ વિસ્તારમાં ટ્રાફિક નિયમન કરવામાં ઉણી ઉતરી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગાંધી ચોક, રામ ચોક અને શાકમાર્કેટ ચોક જેવા મુખ્ય ટ્રાફિક પોઇન્ટ પર માત્ર TRB જવાનો દ્વારા જ ટ્રાફિક નિયમન કરવામાં આવી રહ્યું છે. જો અહીં કોન્સ્ટેબલ દ્વારા વ્યવસ્થિત રીતે ટ્રાફિકનું નિયમન કરવામાં આવે તો જામની સમસ્યા હલ થઈ શકે તેમ છે. આ ઉપરાંત, રસ્તા પર આડેધડ પાર્ક થતા વાહનો ટ્રાફિક સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. ટ્રાફિક જામ વધવાનું અન્ય એક મુખ્ય કારણ એ પણ છે કે સરકારી હોસ્પિટલ તરફ જતો રસ્તો હાલમાં બંધ છે. આ રસ્તો બંધ હોવાથી ડાયવર્ઝનના કારણે આ મુખ્ય માર્ગો પર વાહનોનું ભારણ એકાએક વધી ગયું છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે ટ્રાફિક વિભાગ આ બાબતે કડક કાર્યવાહી કરે અને યોગ્ય ટ્રાફિક નિયમન થાય તેવી મોરબીની જનતા માંગ કરી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #TrafficJam #TrafficPolice #MorbiTraffic #GujaratNews #Monsoon