રોડ ઉપર વાહનોની લાંબી કતારો લાગતા અનેક વાહન ચાલકો અટવાયા મોરબી : મોરબીના સીરામીક ઝોન પીપળી રોડ ઉપર આજે ફરી ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકજામને પગલે રોડની બન્ને બાજુએ વાહનોની મસમોટી કતારો લાગી ગઈ હતી અને વાહનો કાચબા ગતિએ ચાલતા વાહન વ્યવહાર ખાસ્સો સમય સુધી ખોરવાયો હતો.આથી વાહન ચાલકો ટ્રાફિકજામમાં ફસાતા ભારે હાલાકી ભોગવવી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સીરામીક ઝોન ગણાતા પીપળી રોડ ઉપર પુષ્કળ પ્રમાણમાં વાહનોની 24 કલાક અવરજવર રહે છે.તેમાંય અહીંયા સીરામીક ઝોન હોવાથી ભારે વાહનોનું પણ વિશેષ પ્રમાણ રહે છે વાહનોની ગીચતાને કારણે રોડ સાંકડો પડતા અહીંયા વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે.જો કે છેલ્લા ઘણા સમયથી.પીપળી રોડ ઉપર ટ્રાફિકજામની સમસ્યા કાયમી બની ગઈ છે.આથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે.વારંવાર ટ્રાફિકજામને કારણે વાહન ચાલકો ખાસ્સો સમય સુધી ફસાતા હોવાથી આ સમસ્યા સંબધિત તંત્ર વહેલી તકે ઉકેલ તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે.