એક જગ્યાએ રોડનું કામ શરૂ હોવાના કારણે તો બીજી જગ્યાએ ટ્રક બંધ પડી જવાના કારણે લાંબો ટ્રાફિકજામ મોરબી : મોરબી- વાંકાનેર હાઇવે ઉપર આજે બપોરના સમયે લાલપર અને બંધુનગર આ બે સ્થળ નજીક ટ્રાફિકજામ સર્જાયો છે. બન્ને જગ્યાએ વાહનોની લાંબી કતારો જામી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર સરતાનપરથી રાતાવિરડા રોડ વચ્ચે નવા રોડનું કામ ચાલી રહ્યું છે. જેને પગલે પાનેલી રોડ અને ઢુંવા રોડ વૈકલ્પિક રૂટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જો કે મોટાભાગના વાહનો બંધુનગર પાસેથી જઈ રહ્યા છે. ત્યાં સિંગલ લેન રોડ છે. જેને કારણે વાહનોની કતાર લાગી છે. જેથી હાઇવે ઉપર બંધુનગર આસપાસ એટલે કે મકનસરથી લઈ પેન્ગવીન સિરામિક વચ્ચે અંદાજે અઢી કિમિ લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. અહી બે દિવસથી આ સમસ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ લાલપર પાસે એક ટ્રક રોડ ઉપર બંધ થઈ ગયો છે. આ ઉપરાંત હાઇવે ઉપર મસ મોટું પાણીનું તલાવડું ભરાયું છે. જેના કારણે લાલપર આસપાસ પણ ટ્રાફિકજામ સર્જાયો છે. જ્યાં ટ્રક બંધ થયો છે ત્યાંથી લઈ શક્તિ ચેમ્બર સુધી ટ્રાફિક હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.