ટ્રાફિકજામથી તોબા પોકારતા મોરબીવાસીઓ! હવે હલ અત્યંત જરૂરી મોરબી: શહેરના ઝડપી વિકાસ સાથે તંત્ર માળખાગત સુવિધાઓ આપવામાં પાછળ રહી જતા મોરબી શહેરમાં ટ્રાફિકજામની હાલત બદથી બદતર બની ગઈ છે. રોજ સવારે- સાંજે પિકઅવર દરમ્યાન ચારેબાજુ ટ્રાફિકજામની રોજિંદી સમસ્યાથી નાગરિકો હવે રીતસર તોબા પોકારી ગયા છે ત્યારે આજે મંગળવારે સવારે ફરી એક વખત ટ્રાફિકજામ સર્જાયો છે. મોરબીના કુબેર સીનેમાંથી લઈને જાંબુડિયા ગામ સુધી સર્જાયેલા ટ્રાફિકજામમાં આજે સેંકડો વાહનચાલકો અટવાયા હતા. બન્ને હાઇવે સહિત સર્વિસરોડ પર થયેલા ભયંકર ટ્રાફિકજામને લઈને લોકોને સમયસર પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી થતા વાહનચાલકો રીતસરના અકળાઈ ઉઠ્યા હતા. ઉપરોક્ત રૂટ પરના ચારેય માર્ગો પર સર્વિસરોડની હાલત અત્યંત ખરાબ હોવાને લઈને વાહનચાલકોને ખૂબ જ ધીમી ગતિએ વાહન ચલાવવા પડી રહ્યા હોય, એ ઉપરાંત આ સ્થળે ખૂબ ટૂંકો વણાંક હોવાથી મોટા વાહનોને ટર્ન લેવામાં થોડો વધુ સમય લાગતા જ ટ્રાફિકજામની સમસ્યા સર્જાવવાની શરૂ થઈ જાય છે. પિકઅવર્સ દરમ્યાન જ્યારે વાહનોનો ઘસારો વધુ હોય ત્યારે વણાંક લેવામાં મોટા વાહનોને જો થોડી વધુ વાર લાગે ત્યારે આ સમસ્યા વધુ વકરે છે. ઉપરોક્ત હાઇવે પર જો ટ્રાફિક પોલીસની કાયમી ડ્યુટી હોય અને હાઇવે ઓથોરિટી પણ આ પરત્વે ધ્યાન આપે તો ટ્રાફિકજામની સમસ્યા ચોક્કસપણે નિવારી શકાય એમ છે તેવું ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકો જણાવી રહ્યા છે. આ સમસ્યાને માત્ર ટ્રાફિકજામની સમસ્યા સંદર્ભે લેવા કરતા તેના અન્ય પાસાઓ વિશે ગંભીરતાપૂર્વક વિચારણા કરવાનો સમય પાકી ગયો છે. ટ્રાફિકજામને લઈને લોકોનો સમય તો બગડે જ છે, સાથોસાથ હાલના તબક્કે મોંઘા થઈ ગયેલા ઈંધણનો વ્યય અને તેને કારણે વાહનચાલકોને થતું આર્થિક નુકશાન પણ ખૂબ મોટું છે. વળી ટ્રાફિકજામમાં ફસાયેલા લોકોને વાહનોમાંથી નીકળતા ધુમાડાનો સામનો કરવો પડે છે. જે આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક છે. ટ્રાફિકજામમાં ફસાઈને ઘણી 108 અને ફાયરબ્રિગેડ જેવા વાહનો તેના નિયત સ્થળે સમયસર પહોંચી શકતા ન હોય જાન-માલને થતા નુકશાનનું આંકલન કરવું તો અત્યંત મુશ્કેલ છે. ખરાબ સર્વિસરોડને કારણે વાહનોમાં પણ અકલ્પનિય નુકશાન થતું હોય છે. આવા અસંખ્ય પરિબળોને ધ્યાને લઇ ટ્રાફિકજામની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એવી લાગણી મોરબીવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે.