લીલાપર ડેમ રોડ વરસાદી પાણી ભરેલા ખાડાઓમાં વાહનો ફસાયા બાદ ટ્રાફિકજામ થયો : શનાળા બાયપાસ પર ખાડાના રિપેરીગ માટે રસ્તો બંધ કરતા અનેક વાહનો ટ્રાફિકજામમાં અટવાયા મોરબી : મોરબીમાં ભારે વરસાદને કારણે રોડ પર પડેલા ખાડાઓ વધુ મુશ્કેલી સર્જી રહ્યા છે. જેમાં આજે મોરબીના લીલાપર ડેમ રોડ અને શનાળા બાયપાસ પર ખાડાઓને કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો. વરસાદી પાણી ભરેલા ખાડાઓમાં વાહનો ફસાયા બાદ ટ્રાફિકજામ થતા અનેક વાહનો ટ્રાફિકજામમાં અટવાયા હતા. મોરબીના લીલાપર ડેમ રોડ ઉપર સતત વરસાદને કારણે હજુ પણ પાણી ભરાઈ રહે છે એ રોડ પર ફૂટ ફૂટના ગાબડાં પડી ગયા છે. ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલા હોય અને ખાડા ન દેખાતા વાહનો આ ખાડામાં ફસાય જાય છે.ત્યારે આજે સવારે એક ભારેખમ ટ્રક આ રોડ પર વરસાદી પાણી ભરેલા ખાડામાં ખુંપી ગયો હતો. ટ્રક બુરી રીતે ફસાય જતા ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી, વાહન વ્યવહાર ખોરવાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. મોરબીના શનાળા બાયપાસથી છેક અજંતા કંપની સુધી આજે સવારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જાણવા મળતી વિગતો મુજબ અહિયાં બ્રિજનું કામ ચાલુ હોય અને સર્વિસ રોડ ઉપર ખાડા પડી ગયા છે. જેથી ખાડાઓમાં કપચી નાખીને સમારકામ કરવામાં આવી રહ્યું છે.જેથી પોલીસે જ થોડીવાર રસ્તો બંધ કર્યો હતો. આથી વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જોકે લોકોએ બળાપો ઠાલવ્યો હતો કે રાત્રીની સમયે ખાડાનું તંત્રએ રિપેરીગ કરવું જોઈએ અને સવારે આ કામ કરવાથી લોકોને મુશ્કેલી પડે છે. ટ્રાફિક ઓછા હોય ત્યારે આ કામગીરી કરવાને બદલે સવારના સમયે ખાડાઓ રીપેર કરતા વાહન ચાલકોને હાલાકી પડી હતી.