નેશનલ હાઈવે ઓથોરિટીએ રવિવારે બપોરે ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કર્યો : મેઘા કેનાલમાં મસમોટા ગાબડાં પડતાં ખેતરો અને મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યામોરબી અપડેટ : આમરણ ચોવીસી પંથકમાં ગઈકાલે શનિવારે દિવસ દરમિયાન પડેલા 5 ઈંચ અનરાધાર વરસાદને કારણે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડેમી નદીમાં બનાવાયેલું પાકું ડાયવર્ઝન ધોવાઈ જતા જામનગર-કચ્છ વચ્ચેનો વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો. જોકે, તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને માર્ગ પૂર્વવત કરી દેવામાં આવતા વાહનચાલકોને મોટી રાહત મળી છે.શનિવાર રાત્રિથી આજ રવિવાર બપોર સુધી વાહન વ્યવહારને જામનગરથી વાયા ધ્રોલ-ટંકારા-મોરબી-માળિયા (મિ.) થઈને ડાયવર્ટ કરવો પડ્યો હતો. પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી ડેમી નદી ઉપર બની રહેલા નવા બ્રિજના બંને છેડા પર બાકી રહેલી કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી હતી અને નવા બ્રિજ પરથી આજે બપોરે વાહન વ્યવહાર પૂર્વવત ચાલુ કરી દેવામાં આવ્યો હતો.અગાઉ ડેમી નદી ઉપર નવા બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું હોવાથી નદીના પટમાં પાકું ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું. ભારે વરસાદથી ડેમી નદી બે કાંઠે વહેતા આ ડાયવર્ઝનનું સંપૂર્ણ ધોવાણ થઈ ગયું હતું. તેમજ નવા બ્રિજના જામનગર તરફના ઢાળિયા ભાગે પણ નુકસાન થતા પાણી ફરી વળવાને કારણે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.બીજી તરફ, આમરણના પુરાણા હાટકેશ્વર તળાવમાં પાણી ઠાલવતી આમરણથી ધુળકોટ સુધીની 3 કિ.મી. લાંબી મેઘા કેનાલમાં બંને કાંઠાના માટીના પાળામાં મસમોટા ગાબડાં પડતા પાણીનો પ્રવાહ ખેતરો અને મુખ્ય માર્ગ પર ફરી વળ્યો હતો. આમરણ સહિત આજુબાજુના ગામોમાં ભારે વરસાદને પગલે લોકોમાં ખુશીની લહેર પ્રસરી હતી. હાલમાં આમરણ ખાતેનું પુરાણું હાટકેશ્વર તળાવ છલોછલ ભરાઈને ઓવરફ્લો થઈ રહ્યું છે.#Morbi #MorbiUpdate #Amran #DemiRiver #JamnagarKutchHighway #TrafficRestored #HeavyRainfall #Monsoon2026 #GujaratWeather #HighwayAuthority