મોરબી: આમરણ ખાતે નવરંગ નેચર ક્લબ, રાજકોટના ઉપક્રમે નિવૃત્ત આરએફઓ વી ડી બાળા દ્વારા બાળકોને મોબાઈલના વળગણથી દૂર રાખી શારીરિક અને માનસિક વિકાસ કેળવવાના હેતુથી પરંપરાગત શેરી રમતોનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું. અહીંના હાટકેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પ્રાંગણમાં વિવેકાનંદ શાળા સંકુલના ધોરણ 1 થી 8 ના સેંકડો બાળકોએ આખો દિવસ ઉત્સાહભેર આ રમતોની મોજ માણી હતી. બાળકોએ કુદરતી વાતાવરણમાં વન ભોજનનો પણ આનંદ લીધો હતો.આ કાર્યક્રમમાં બાળકોએ લંગડી, નાર બોલ, પૈડાદોડ, આંધળો પાટો, કબડ્ડી, ધમાલ ધોકો, ગીલી ડંડો, ભમરડો, રસારોહણ, ટપલી દાવ વગેરે અનેકવિધ દેશી રમતો રમીને ખુશી વ્યક્ત કરી હતી. બાળકો જંક ફૂડથી દૂર રહે તે માટે, તેમને ગાજર, જામફળ, બીટ, ટમેટા, કાકડી, બોર, દાડમ જેવા ફળફળાદી તેમજ પોષક તત્વોથી ભરપૂર નાસ્તો કરાવી સાચા પોષણક્ષમ આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.વી ડી બાળાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આજના બાળકો પરંપરાગત દેશી રમતોથી વંચિત થઈ ગયા છે, અને મોબાઇલમાં રમાતી રમતો બાળકોમાં ચીડીયાપણું, હિંસકવૃત્તિ અને માયકાંગલાપણું વધારે છે. તેમણે વડીલોને આ પરિસ્થિતિમાંથી બાળકોને બહાર લાવવા અને ભાવી પેઢીને શારીરિક-માનસિક તંદુરસ્તીની કેળવણી આપવા માટે શેરી રમતોની યાદ અપાવી તેની સાથે જોડાવા અપીલ કરી હતી. તેમના મતે શેરી રમતો દ્વારા ચારિત્ર્ય નિર્માણ અને ભાઈચારાની ભાવના સાકાર થઈ શકે છે.તેમણે વધુમાં માહિતી આપી હતી કે નવરંગ નેચર ક્લબ દ્વારા 2016 થી શેરી રમતોનું અભિયાન શરૂ કરાયું છે. આજ દિવસ સુધીમાં સેંકડો પ્રાથમિક અને માધ્યમિક શાળાના અંદાજે બે લાખ ઉપરાંત બાળકોએ આ શેરી રમતોનો વિનામૂલ્યે લાભ મેળવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા સંચાલક પ્રકાશભાઈ મુંગરા, આચાર્ય અંજનાબેન લુણાગરિયા તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.