નામ કમી કરાવવા માટે સવારે 9 વાગ્યે નામ લખી 10:30 વાગ્યે ટોકન આપે અને કામગીરી 11થી 2 દરમિયાન થાય : દરરોજ કતારમાં ઉભા રહી લોકો પરેશાન થઈ રહ્યા હોવાની રાવમોરબી : મોરબીમાં સિટી મામલતદાર કચેરીમાં રેશનકાર્ડની કામગીરીમાં લોકો પરેશાન થઈ રહ્યા હોવાની રાવ ઉઠી છે. ટોકન સિસ્ટમ હોવા છતાં લોકોને કલાકો સુધી કતારમાં ઉભું રહેવું પડતું હોય તેવી અરજદાઓ ફરિયાદ કરી રહ્યા છે. અરજદાર ખુશ્બુબેન પંડિતે જણાવ્યું કે તેઓને રાશનકાર્ડમાં નામ કમી કરાવવું હતું. જેના માટે રૂમ નંબર 9ની બહાર સવારે 9 વાગ્યે નામ લખવામાં આવે છે. ત્યારબાદ સવારે 10:30 વાગ્યે ટોકન આપવામાં આવે છે. ત્યારબાદ 11થી 2 વાગ્યા સુધી કામગીરી કરવામાં આવે છે. બપોરે 2 વાગ્યા બાદ અરજદારોના ફોર્મ લેવામાં આવતા નથી. ઉપરાંત મંગળવારથી શુક્રવાર સુધી જ કામગીરી ચાલુ રાખવામાં આવે છે. જો આ ટોકન સિસ્ટમને બદલે બધા અરજદારોના ફોર્મ તપાસી તાત્કાલિક લેવાનું શરૂ કરવામાં આવે અને ત્યારબાદ અરજદારોને બોલાવીને રેશનકાર્ડ સુધારા સાથે પરત આપવામાં આવે તો અરજદારોને કલાકો સુધી આવા સામાન્ય કામ માટે કતારમાં ઉભું રહેવું ન પડે.