મોરબી : મોરબીના નહેરુગેઈટ પાસે આવેલી કાપડ બજારમાં છેલ્લા પાંચ દિવસથી ગટર ઉભરાવવાની સમસ્યા ઉભી થઈ છે. ગટર ઉભરાતી હોવાથી સ્થાનિક વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. ગટરના પાણી બજારમાં ભરાય રહેતા હોવાથી વેપાર-ધંધા પર પણ અસર પડી રહી છે.આ અંગે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં વેપારી સુરેશભાઈએ જણાવ્યું હતું કે, કાપડ બજારમાં છેલ્લા 5 દિવસથી ગટરના પાણી ઉભરાય છે. સવારે સફાઈ કામદારો સાફ કરીને જાય છે ત્યારબાદ સવારે 8 વાગ્યાની આસપાસ ગટરના પાણી ઉભરાય છે. જ્યારે દુકાનો ખોલવાનો સમય થાય ત્યારે અહીંયા પાણી ભરાયેલા હોય છે અને સાંજે સુકાય જાય છે. દિવસ દરમિયાન ગટરના પાણી ભરાયેલા રહેતા હોવાથી ગ્રાહકો પણ આવતા નથી અને વેપાર-ધંધા પર અસર થાય છે. ગટરના પાણી ઉભરાવવાનું મૂળ કારણ ભુગર્ભ ગટરમાં પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જેથી તાત્કાલિક ધોરણે ભુગર્ભ ગટર સાફ કરવામાં આવે તો આ સમસ્યા હલ થઈ શકે તેમ છે.