આ દિવસે ગુજરાતીઓ પોતાના ધંધા-પેઢીનું મુહૂર્ત કરે છે તેમજ નવો વ્યવસાય ચાલુ કરવા માટે આજનો દિવસ શુભમોરબી : દિવાળીનો તહેવાર હવે પતી ગયો છે. ગુજરાતીઓનું નવું વર્ષ વિક્રમ સંવત 2080 શરુ થઈ ગયું છે. દિવાળી પછી પાંચમા દિવસે લાભ પાંચમ તિથિએ ગુજરાતીઓ પોતાના ધંધા-પેઢીનું મુહૂર્ત કરે છે અને નવા વર્ષમાં પોતાનો ધંધો સારો ચાલે તેની કામના સાથે શુભ મુહૂર્તમાં દુકાન-ફેક્ટરી ખોલે છે. લાભ પાંચમને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી, લાખેણી પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે.લાભ પાંચમ વિક્રમ સંવતના કારતક માસના પાંચમા દિવસે એટલે કે કારતક સુદ પાંચમનાના દિવસે મનાવવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે દુકાનદારો દિવાળીની રજાઓમાં બંધ કરેલા વ્યવસાયનું મુહર્ત લાભ પાંચમના દિવસે કરે છે. આ વર્ષે લાભ પંચમી 18 નવેમ્બર, 2023 શનિવારના આજ રોજ છે. આ દિવાળીના તહેવારનો અંતિમ દિવસ હોય છે. સૌભાગ્ય પાંચમાં સૌભાગ્યનો અર્થ થાય છે સારુ ભાગ્ય અને લાભનો અર્થ છે સારો ફાયદો. તેથી, આ દિવસને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવામાં આવે છે. લાભ પાંચમનું મહત્વહિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર આ દિવસે કોઈપણ નવો ધંધો શરૂ કરી શકાય છે. દિવાળી પછી, વેપારીઓ આ દિવસે તેમની દુકાનો અને સંસ્થાઓ ફરીથી ખોલે છે. એવું માનવામાં આવે છે કે લાભ પંચમીના દિવસે કરવામાં આવતી પૂજા લોકોના જીવનમાં લાભ અને સૌભાગ્ય લાવે છે. આ દિવસે વ્યાપારીઓ નવા એકાઉન્ટ બુકનું ઉદ્ઘાટન કરે છે અને ધંધામાં વૃદ્ધિ માટે દેવી લક્ષ્મીની પ્રાર્થના કરે છે.આજના દિવસથી સારા કામની શરૂઆત કરવાથી આખું વર્ષ ફળદાયી નિવડે છે. આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા સુખ અને સમૃદ્ધિ માટે કરવામાં આવે છે. નવા વર્ષની રજાઓ માણ્યા બાદ આજથી વેપાર-ધંધા શરૂ કરવા માટેનો ઉત્તમ દિવસ છે.આ ઉપરાંત, જે લોકોએ દિવાળીમાં ચોપડા પૂજન ન કર્યું હોય, તેઓ લાભ પાંચમના દિવસે પૂજન કરી દુકાન અને વેપારનો આરંભ આ દિવસે કરી શકે છે. આ દિવસે નવા ચોપડામાં પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે. વચ્ચે સાથીયો બનાવાય છે. આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છેઆ દિવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર ‘શુભ’ , ‘લાભ’ લખીને સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે છે. વેપારીઓ નવા વર્ષના હિસાબના ચોપડામાં ‘શ્રી સવા’ લખીને સવાઇ લક્ષ્મી મેળવવાનો સંકલ્પ કરે છે. લાભ પાંચમની તિથિ લક્ષ્મીની પ્રાપ્તિ સાથે જોડાયેલી છે. જેના કારણે તેને ‘શ્રી પંચમી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમે શ્રીસુક્તનો પાઠ કરવાનો મહિમા છે. આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશ પૂજન કરીને સુખ સમૃદ્ધિ અને એશ્વર્ય માટે પ્રાર્થના કરે છે.