ખખડધજ દોશી ટાવર બિલ્ડીંગની ગંદકી વહેતી હોવાથી આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ સાથે વેપારીઓ અને તબીબીઓ નગરપાલિકાને રજુઆત કરી મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ દોશી ટાવર એપાર્ટમેન્ટના ટોયલેટની ગંદકી શેરીમાં વહેતી હોવાથી આ વિસ્તારમાં હોસ્પિટલો અને દુકાનો ધરાવતા વેપારીઓ અને તબીબોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી શેરીમાં ગંદકી વહેતી હોવાથી આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ સાથે વેપારીઓ અને તબીબીઓ નગરપાલિકાને રજુઆત કરી છે. મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ પેથાપરા હોસ્પિટલ અને મેડિકલ સ્ટોરના વેપારીએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, તેમની શેરીમાં જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ દોશી ટાવર એપાર્ટમેન્ટના ટોયલેટની ગંદકી આખી શેરીમાં ઉભરાય છે અને આ ગંદકીએ ભારે માજા મૂકી છે. આ શેરીમાં હોસ્પિટલો તેમજ નાના મોટા દવાખાના અને અન્ય દુકાનો આવેલી હોય ગંદકીને કારણે રોગચાળો વકરે તેવી દહેશત છે. જો કે આ ગંદકી બાબતે દોશી ટાવરના સંચાલકોને પણ અવારનવાર રજુઆત કરી છે. તેમજ નગરપાલિકાને પણ રજુઆત કરી છે છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. બીજી બાજુ આ શેરીમાં વહેતી ગંદકીથી દર્દીઓ ભારે પરેશાન થાય છે. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને આ ગંદકી દૂર કરવા યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે.