મોરબી : ૨ ફેબ્રુઆરી, ૨૦૨૬મોરબી જિલ્લામાં ખેતરોમાંથી પસાર થતી વીજલાઇન અને વળતરના મુદ્દે ટંકારા પંથકના ખેડૂતોનો આવાજ બુલંદ બનાવવા કોંગ્રેસની આગેવાનીમાં ટંકારાથી મોરબી કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલીનું આયોજન કરાયું હતું. જેમાં 300 જેટલા ટ્રેક્ટરો જોડાયા હતા. જેમાં ટંકારાથી નીકળેલી ૩૦૦થી વધુ ટ્રેક્ટરોની વિશાળ રેલીને પોલીસે મોરબી શહેરની સરહદે જ રાજપર ચોકડી પાસે અટકાવી દીધા હતા.પોલીસે ટ્રેક્ટરોને શહેરમાં પ્રવેશતા અટકાવ્યાશહેરમાં ટ્રાફિક જામનું કારણ ધરીને પોલીસ તંત્ર દ્વારા એક પણ ખેડૂતના ટ્રેક્ટરને શહેરની અંદર પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. તમામ ૩૦૦ જેટલા ટ્રેક્ટરોને રાજપર ચોકડી પાસે જ રોકી રાખવામાં આવ્યા હતા. પોલીસના આ વલણને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.નેતાઓની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ રજૂઆતટ્રેક્ટરોને અટકાવવામાં આવતા, ખેડૂત નેતાઓ અને કોંગ્રેસના અગ્રણીઓએ મક્કમતા બતાવી હતી. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચિખલિયા, મહેશ રાજકોટિયા અને જયેશભાઈ પટેલ સહિતના આગેવાનો ખેડૂતો સાથે ખાનગી વાહનો મારફતે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.કલેક્ટર સમક્ષ આક્રમક રજૂઆતકલેક્ટર કચેરી ખાતે પહોંચેલા પ્રતિનિધિમંડળે વીજલાઇનના પ્રશ્ને ખેડૂતોને થતા અન્યાય અને યોગ્ય વળતરની માંગણી સાથે તેમજ આજે ખેડૂતોની રદ કરાયેલી સુનવણી બાબતે રજૂઆતો કરી હતી. રજૂઆત દરમિયાન નેતાઓએ તર્કબદ્ધ દલીલો કરી હતી કે: ખેડૂતોની જમીનમાંથી પાવર લાઈન પસાર થવાથી જમીનની કિંમત ઘટી જાય છે. કંપનીઓ દ્વારા આપવામાં આવતું વળતર અપૂરતું છે. નવી SOP મુજબ ખેડૂતોને યોગ્ય અને બજાર ભાવ મુજબ વળતર મળવું જ જોઈએ.કલેકટર કચેરી ખાતે નેતાઓએ ઉગ્ર રજૂઆત સાથે જણાવ્યું હતું કે 'ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પણ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.