ભવિષ્યની વસ્તી, ટ્રાફિક સમસ્યાના ઉકેલ, રસ્તાઓ પહોળા કરવા અને નવા મનોરંજન પોઈન્ટ વિકસાવવા લેખિત સૂચનો કરાયામોરબી અપડેટ: મોરબી મહાનગરપાલિકાનો નવો ડી.પી. હાલમાં તૈયાર થઈ રહ્યો છે, ત્યારે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ઋષિપભાઈ એન. કૈલા દ્વારા જિલ્લા કલેક્ટરને એક વિસ્તૃત લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં ડી.પી. બનાવતી વખતે કેટલાક ખાસ મુદ્દાઓ ધ્યાને લેવા જણાવાયું છે. રજૂઆતમાં વર્ષ 2025-26 ની વસ્તીને ધ્યાનમાં રાખીને ભવિષ્યનું યોગ્ય અને સાચું આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.ટ્રાફિક અને રસ્તાઓનું આયોજનમોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા તમામ ગાડા માર્ગો ભવિષ્યમાં ચાર માર્ગીય થઈ શકે તે માટે 24.00 મીટરથી 30.00 મીટરની પહોળાઈ વાળા બનાવવા સૂચન કરાયું છે, જેથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા રહે નહીં. મોરબી શહેરની હાલની ટ્રાફિક સમસ્યા ઘણી જ વિકરાળ હોવાથી શહેરના સીટી વિસ્તારના તથા અન્ય તમામ મેઈન રોડને ચાર માર્ગીય (ફોર-ટ્રેક) રસ્તાઓ બનાવવાનું ખાસ આયોજન કરવા જણાવાયું છે. આ ઉપરાંત, સકત સનાળા ગામે મોરબી-રાજકોટ હાઈવે પર નવી મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ અને જિલ્લા અદાલતો બની રહી છે, ત્યારે 24 કલાક એમ્બ્યુલન્સ અને વાહનોની અવરજવર માટે ટ્રાફિક ન નડે તે રીતે નવું રોડ એલાઈનમેન્ટ ગોઠવવા રજૂઆત કરાઈ છે.વરસાદી પાણીનો નિકાલહાલમાં ગુજરાત તથા ભારતના અન્ય મહાનગરપાલિકાઓ અને મેટ્રો સિટીઝમાં વરસાદી પાણીના નિકાલના અભાવે જે ભયંકર પરિસ્થિતિ ઊભી થાય છે, તે ભવિષ્યમાં મોરબીમાં ન સર્જાય તે માટે નવા ડી.પી.માં વરસાદી પાણીના નિકાલ માટે અત્યારથી જ ખાસ આયોજન કરવું જરૂરી હોવાનું પત્રમાં જણાવાયું છે.રેસકોર્સ જેવો નવો મનોરંજન પોઈન્ટસકત સનાળાથી ઘુનડા જતા રોડ પર અમર સોલારની બાજુમાં, શિવમ બંગલોની સામે સરકારી ખરાબાના સર્વે નંબર 177 અને સર્વે નંબર 230 માં આવેલ તળાવ અને આસપાસની વિશાળ સરકારી પડતર જમીનનું વિશેષ બ્યુટીફીકેશન કરવા સૂચન કરાયું છે. મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં આયોજનબદ્ધ પદ્ધતિથી મોરબીની જનતાને 'રેસકોર્સ ટાઈપ' મનોરંજન પોઈન્ટ આપી શકાય તેમ છે. આ સ્થળ માટે મોરબી-રાજકોટ રોડ, મોરબી-રવાપર રોડ, એસ.પી. રોડ અને કેનાલથી અવની રોડ વગેરેનું કનેક્ટિવિટી આયોજન કરવાનું પણ જણાવાયું છે.વહીવટી સુવિધા માટે ઝોનિંગ ઓફિસો અને ફાયર સ્ટેશનલોકોની વહીવટી સરળતા માટે રવાપર રોડ, બાયપાસ રોડ, મહેન્દ્રનગર-સર્કિટ હાઉસ પાસે અને સકત સનાળા વગેરે વિસ્તારોને અલગ-અલગ ઝોનિંગ ઓફિસો અને ફાયર સ્ટેશનની સગવડતા મળી રહે તેવું આયોજન કરવા જણાવાયું છે. આમ કરવાથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો ટ્રાફિક રહેશે નહીં અને જનતાને વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #TownPlanning #MorbiDP #DevelopmentPlan #MorbiNews #Gujarat #Infrastructure #TrafficSolution #MorbiCity #SmartCityPlanning