ભારતની સંસ્કૃતિ અને પર્યટનના સમન્વયનો ઉત્સવ એટલે રાષ્ટ્રીય પર્યટન દિવસ : વર્ષ ૨૦૨૫માં રાષ્ટ્રીય પર્યટન દિવસ 'ટુરિઝમ ફોર ઇન્કલુસિવ ગ્રોથ'ની થીમમોરબી : પર્યટન એ પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણવાની સાથેસાથે દેશની સંસ્કૃતિ, ઈતિહાસ અને પરંપરાઓને સમજવાનો અને જાણવાનો શ્રેષ્ઠ માર્ગ છે. સમગ્ર દેશમાં દર વર્ષે ૨૫મી જાન્યુઆરીને 'રાષ્ટ્રીય પર્યટન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, જે ભારતના વૈવિધ્યસભર પર્યટન સ્થળો અને તેની ધરોહરના જતન માટે નાગરિકોને જાગૃત કરવાનો એક અનોખો પ્રયાસ છે. દેશભરમાં વર્ષ ૨૦૨૫માં રાષ્ટ્રીય પર્યટન દિવસ 'ટુરિઝમ ફોર ઇન્કલુસિવ ગ્રોથ'ની થીમ ઉપર ઉજવાશે.મોરબી જિલ્લાની વાત કરીએ તો દેશ અને દુનિયામાં સિરામિક, ઘડિયાળ, બરફના ગોલાથી સુપ્રસિદ્ધ મોરબી જિલ્લામાં આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મ સ્થળ ટંકારા આવેલું છે. જ્યાં વૈદિક ધર્મનું અભ્યાસ કેન્દ્ર ચાલે છે. મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ્ રાજચંદ્રાચાર્ય જન્મસ્થળ વવાણીયા ગામ પણ અહીં આવેલું છે. મોરબીના મહારાજા લખધીરસિંહે વર્ષ ૧૯૪૬માં બંધાવેલુ પિતૃ તર્પણ માટે જાણીતુ રફાળેશ્વર મંદિર, માટેલનું શ્રી ખોડિયાર માતાનું મંદિર , રતનપરમાં આવેલું શ્રી રામચરિત માનસ મંદિરમાં દર્શન કરવા શ્રદ્ધાળુઓ અવિરત આવતા રહે છે. વાંકાનેર નજીક તીથવા ગામના ડુંગર ઉપર આવેલું સ્વયંભૂ જડેશ્વર મહાદેવનું મંદિર, તત્કાલીન રાજવીઓનો વાંકાનેર પેલેસ, નવલખી બંદર વગેરે પણ જાણીતા પ્રવાસન સ્થળો છે. મોરબીમાં રફાળેશ્વર, રતનપર વગેરે ખાતે ભરાતા લોકમેળા સુપ્રસિદ્ધ છે. ગુજરાતમાં વાયબ્રન્ટ નવરાત્રી, ધોરડો રણોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, સાપુતારા મેઘ મલ્હાર, તરણેત્તર મેળો, માધવપુર મેળો, કાંકરિયા કાર્નિવલ જેવા અનેક ઉત્સવો તેમજ સોમનાથ, દ્વારકા, અંબાજી, સૂર્યમંદિર મોઢેરા, રાણીની વાવ, હેરીટેજ સિટી અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ સહિત વિવિધ પ્રવાસન સ્થળો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વર્ષ ૨૦૨૩માં ૧૭.૨૬ કરોડથી વધુ તેમજ વર્ષ ૨૦૨૪માં ૧૮.૬૨ કરોડ એમ છેલ્લા બે વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ સહભાગી થયા છે.ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં મુખ્યત્વે સૌથી વધુ વાઈબ્રેન્ટ નવરાત્રી મહોત્સવમાં ૨૩.૧૨ લાખ જેટલા પર્યટકો નોંધાયા છે.જ્યારે કચ્છમાં યોજાતા ધોરડો રણોત્સવમાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૭.૪૨ લાખ અને વર્ષ ૨૦૨૪-૨૫માં અત્યાર સુધીમાં ૭.૫૨ લાખ એમ કુલ મળીને ૧૪.૯૪ લાખ જેટલા પર્યટકો નોંધાયા છે. આ ઉપરાંત, છેલ્લા બે વર્ષમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ૯.૨૯ લાખ, સાપુતારા મેઘ મલ્હાર ફેસ્ટીવલમાં ૦૫ લાખ જેટલા તેમજ તરણેત્તર મેળામાં ૦૪ લાખથી વધુ પ્રવાસીઓ- નાગરિકોએ મુલાકાત લીધી છે.