અચાનક જોરદાર વરસાદથી રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા, મોરબીનાં મોટાભાગના વિસ્તારમાં વીજપુરવઠો ઠપ્પમોરબી : મોરબી, વાંકાનેર, ટંકારા સહિતના વિસ્તારોમાં સોમવારે સાંજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો બાદ ભારે પવન સાથે ઠેર ઠેર બરફના કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સતત ભારે વરસાદના કારણે મોરબી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયાં હતાં અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ તેજ પવનના કારણે અનેક જગ્યા વૃક્ષો ધરાશાઈ થયા હતા. તેમજ અમુક જગ્યાએ વીજળી પડયાની પણ શક્યતા છે.મોરબીમાં મીની વાવાઝોડા સાથે તેજ પવન અને વરસાદથી થોડી વાર માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સાંજે ભારે વરસાદના કારણ અનેક લોકોને અને ખાસ કરીને કામ કાજે બહાર રહેલા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદની સાથે બરફના કરા પણ પડ્યો હ્યા. તેમજ ભારે પવનના કારણે શનાળા રોડ, વીસી ફાટક પાસે, રબારી વાસ સહિતના વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાઈ થયા હતા. રસ્તા પર ધરાશાઈ વૃક્ષોના કારણે ટ્રાફિક જામ થતાં વૃક્ષો હટાવવાના પોલીસ, ફાયર સહિતની ટીમો કામે લાગી હતી. .જ્યારે ભારે વરસાદના પગલે મોરબીનાં નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. જ્યારે ચાલુ વરસાદે વીજળીના થયેલા ચમકારા અને કડાકા ભર્યા અવાજથી અમુક જગ્યાએ શહેરમાં વીજળી પડ્યાનું પણ અનુમાન છે. જોકે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર માહિતી નથી મળી. તેમજ કોઈ જાન માલના નુકસાનીના સમાચાર આવ્યા નથી.