રજિસ્ટ્રેશન કરાવનાર ખેડૂત પાસેથી 300 મણ મગફળી ખરીદવા સહિતની રજૂઆત ટંકારા : આવતીકાલે તારીખ 13 ઓક્ટોબર ને સવારે 11 કલાકે ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરીએ વિરોધ વ્યક્ત કરવામાં આવશે અને ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવશે.ટંકારા કોંગ્રેસના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધી ખેડૂતોની આવક ડબલ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ આજની હકીકતમાં ખેતીના વપરાશ માટે બિજ, ખાતર, સાધનો સહિતના ભાવ અનેકગણા વધી ગયા છે અને ખેતપેદાશોના ભાવ હતા એનાથી ઘટી ગયા છે. જેના આક્ષેપ સાથે ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિએ મોદી સરકારની ખેડૂત વિરોધી નીતિઓનો વિરોધ નોંધાવવા માટે જબરી જગતતાત રેલીનું આયોજન કર્યું છે. ટંકારા તાલુકા કોંગ્રેસના પ્રમુખ અશોક સંધાણીએ જણાવ્યું હતું કે 2013-14માં મગફળીનો મણ રૂ.1250 હતો, જે હવે ખુલ્લા બજારમાં રૂ.850-1000 રહ્યો છે, જ્યારે સોનાના ભાવ ચાર ગણાં વધ્યાં છે. અગાઉ ઓઠા હતા જેને આ સરકારે ખોટા પાડયા છે તદુપરાંત સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદી પણ ઓછી માત્રામાં થવાને કારણે ખેડૂતોને પ્રતિ ખેડૂત આશરે રૂ.58,500નું નુકસાન થઈ રહ્યું છે.વધુમાં જણાવ્યું કે, રજિસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂત પાસેથી ઓછામાં ઓછા 300 મણ મગફળીની ખરીદી કરવામાં આવે અથવા ભાવ તફાવતની રકમ રૂ.1,35,000 સીધી ખાતામાં જમા કરવામાં આવે. આ મુદ્દે ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોક સંઘાણી, મહામંત્રી દુષ્યંત ભૂત અને વિપક્ષ નેતા ભુપત ગોધાણીના નેતૃત્વમાં 13 ઓક્ટોબર ને સોમવારે સવારે 11 વાગ્યે મામલતદાર કચેરી ખાતે વિરોધ વ્યક્ત કરવા મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહેશે.