મોરબી: આવતીકાલે તા. 23 સેપ્ટમ્બરના રોજ ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના સંકલ્પ દિવસ નિમિત્તે અનુસુચિત જાતિ આયોજિત ડો. બાબાસાહેબ આંબેડકર સાહેબની પ્રતિમા સ્થળે સવારે 12 વાગ્યે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમ્યાન સૌપ્રથમ સિવિલ હોસ્પિટલ સામે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવશે. તેમજ સંકલ્પ પત્રનું વાંચન કરી હાજર તમામ ભાઈઓ-બહેનોને સંકલ્પ લેવડાવવામાં આવશે. ડો. બાબા સાહેબનો સંકલ્પ દિવસ એ તેઓના જીવન સંઘર્ષ અને સમાજના ઉત્થાન માટેની પ્રતિજ્ઞાનો એક ઐતિહાસિક દિવસ છે. જેથી ડો. બાબાસાહેબના અનુયાયીઓ તથા તેઓના મુલ્યો અને વિચારધારા સાથે સમર્પિત અને તેઓનાં અધુરા રહેલા કાર્યોને વધુ આગળ લઈ જવા માટે સૌ સંગઠીત થઈ સાથે મળીને પ્રયાસ કરીએ તેવો સંકલ્પ કરવામાં આવશે. આ સંકલ્પ દિવસ કાર્યક્રમ નિમિત્તે મોરબી જિલ્લાના અનુસુચિત જાતિના ભાઈઓ તથા બહેનોએ સવારે 11 કલાકે બહોળી સંખ્યમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. સમગ્ર મોરબી જિલ્લા અનુસુચિત જાતિના આગેવાનો તથા સામાજિક કાર્યકરો આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી રહ્યા છે.