વૈશાખ સુદ નવમી એટલે કે સીતા માતાનો પ્રાગટ્ય દિવસજાણો.. માતા સીતાના પ્રાગટ્ય અને પ્રભુ શ્રી રામ સાથે વિવાહની કથામોરબી : વૈશાખ સુદ નવમી એટલે કે સીતા માતાનો પ્રાગટ્ય દિવસ. વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની નવમી તિથિના રોજ પુષ્ય નક્ષત્રમાં માતા સીતા પ્રગટ થયા હતા. આ દિવસે સીતા નવમી કે જાનકી જયંતીના રૂપમાં ઉજવાય છે. સીતા નવમીને રામનવમીની જેમ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે જનકપુરીના રાજા જનક સંતાન પ્રાપ્તિ માટે ખેતીની જમીન તૈયાર કરતા હતા, તેવા સમયે જમીનમાંથી સીતા માતાનું પ્રાગટ્ય થયું હોવાની ધાર્મિક માન્યતા છે. નેપાળના જનકપુરમાં સીતા માતાનો જન્મ થયો હોવાનો ધાર્મિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ થયો છે.હિન્દુ પંચાગ મુજબ આ તહેવાર શ્રીરામ નવમીના ઠીક એક મહિના પછી આવે છે. માતા સીતા, મા લક્ષ્મીનો અવતાર છે. માતા સીતા ભક્તોને સ્વાસ્થ્ય, બુદ્ધિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. માતા જાનકી લક્ષ્મીના સ્વરૂપ સમાન છે. જાનકીનું પ્રાગટ્ય કોઈ માતાના ગર્ભમાંથી નહીં પરંતુ દિવ્ય સ્વરૂપે આ સૃષ્ટિમાં પ્રગટ થયા હતા.માતા સીતાનું પ્રાગટ્યધાર્મિક ગ્રંથોમાં જોવા મળતી માન્યતા મુજબ સીતા માતાના જનકપુરમાં પ્રાગટ્ય થયા બાદ દુષ્કાળ પણ દૂર થયો હતો. મિથિલા નરેશ રાજા જનક તેમના પ્રાંતમાં પડેલા દુષ્કાળ થી ખૂબ ચિંતિત અને વ્યથિત હતા. જનક રાજાએ દુષ્કાળ દૂર કરવા માટે ઋષિ-મુનિઓ અને વિદ્વાનોની સભા બોલાવી અને તેમાં તેમના મતો જાણવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ઋષિ-મુનિઓ અને વિદ્વાનોની હાજરીમાં કહ્યું હતું કે તે પોતે ધર્મ અનુસાર શાસન કરે છે તેમ છતાં રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ તેમને મનોવ્યથિત કરી મૂકે છે. ત્યારે ઋષિ-મુનિઓએ જનક રાજાને સુચન કર્યું હતું કે તે પોતે તેમના હાથે હળ ચલાવીને ખેતી કરે તો ઇન્દ્રદેવની કૃપા પામી શકાય તેમ છે અને પ્રાંતનો દુષ્કાળ દૂર થશે.રાજા જનક દુષ્કાળ દૂર કરવા માટે ખેતીની જમીન ખેડી રહ્યા હતા. આવા સમયે એ હળ ખેતરમાં એક જગ્યા પર અટકી પડ્યું. રાજા જનકે તે જમીનમાં ખોદાણ કરતા અંદરથી સીતા માતાનું પ્રાગટ્ય થયુ .ત્યારથી સીતા માતા જનક રાજાના પુત્રી તરીકે આજે પણ સમગ્ર જગતમાં માતા જાનકી તરીકે પુજાઇ રહ્યા છે.માતા જાનકી સાથે પ્રભુ શ્રી રામના વિવાહજનકપુર મીથાલી રાજ્યની રાજધાની હતી. જે પ્રાચીન ભારત સાથે જોડાયેલી હતી. જનક રાજા જનકપુરમાં જનક પરંપરાના 21માં રાજા હતા અને તેનું નામ સીરધ્વજ જનક હતુ. સીરધ્વજ જનક પરમ શિવભક્ત હતા. શિવની ભક્તિ જનક રાજાને એટલી હદે ફળી કે મહાદેવ એ સ્વયં આવીને તેમનું ધનુષ્ય સીરધ્વજ જનકને અર્પણ કર્યું હતું. ત્યારથી શિવનું ધનુષ જનક રાજા પાસે જોવા મળતુ હતુ. આ સમય દરમિયાન સીતા માતાએ પૂજાનો રૂમ સાફ કરતી વખતે શિવ ધનુષને એક હાથે ઊંચકેલું જોઈને રાજા જનક પણ ચોંકી ઉઠયા હતા અને તે સમયે જનક રાજા એ નક્કી કર્યું હતું કે જે પરાક્રમી કુમાર શિવ ધનુષની પ્રત્યંચાને ચડાવશે તેની સાથે સીતા માતાનો સ્વયંવર યોજાશેઆ સ્વયંવરમાં અનેક પરાક્રમી યોદ્ધાઓ અને રાજકુમારો જોડાયા હતા. પરંતુ શિવ ધનુષની પ્રત્યંચા ચડાવવાનુ તો દૂર પરંતુ શિવ ધનુષ્ય ઉચકી શકવામાં પણ રાજકુમારો અને યોજનાઓ નિષ્ફળ રહ્યા હતા. આવા સમયે રામે શિવ ધનુષની પ્રત્યંચા ચઢાવવાની સાથે શિવ ધનુષ્ય ઊંચકીને તેના બે ટુકડા પણ કરી નાખ્યા હતા રામ આટલા પરાક્રમી યોદ્ધા છે તે જોઈને જનક રાજાએ સીતાના વિવાહ રામ સાથે કરવાનું નક્કી કર્યું અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને માતા સીતાના વિવાહ સંપન્ન થયા.