મોરબી : વિશ્વ સાક્ષરતા દિન દુનિયાભરમાં દર વર્ષે આઠમી સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાની જાહેરાત યુનેસ્કો (UNESCO) તરફથી ઈ. સ. 1965ના વર્ષમાં 17મી નવેમ્બરના દિવસે કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીની શરૂઆત ઈ. સ. 1966ના વર્ષથી કરવામાં આવી હતી. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાનો મુખ્ય હેતુ સાક્ષરતાનું મહત્વ દરેક વ્યક્તિ, સમુદાય તેમજ સમાજને સમજાવી અને તેના વિષે જાગૃતિ લાવવાનો છે. દેશમાં 5 મે, 1988ના રોજ 'રાષ્ટ્રીય સાક્ષરતા મિશન'ની શરૂઆત કરવામાં આવી હતી. દેશમાં 6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. વર્ષ 2011માં થયેલ વસ્તી ગણતરી અનુસાર સૌથી વધુ સાક્ષરતા દર કેરલમાં 93.91% અને સૌથી ઓછો સાક્ષરતા દર બિહારમાં 63.82% છે. ગુજરાતનો સાક્ષરતા દર 79.71% છે. સ્કૂલ છોડી જતા અને અધવચ્ચે અભ્યાસ છોડાતા વિધાર્થી માટે 'સ્કૂલ ચલે' અભિયાન કાર્યરત છે. ઉલ્લેનીય છે કે રાષ્ટ્રીય સ્તરે ભારત સરકાર દ્વારા 'સાક્ષર ભારત પુરસ્કાર' આપવામાં આવે છે. સાક્ષરતાનું મહત્વ સાક્ષરતાના અર્થમાં લખવું, વાંચવું અને સમજવું, એ બાબતોનો સમાવેશ કરી શકાય છે. સાક્ષરતા મનુષ્યના વિકાસ માટે અનિવાર્ય છે. કોઇપણ દેશની પ્રગતિમાં શિક્ષણ અને આરોગ્ય, આ બે મુદ્દાઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હોય છે. કોઈપણ દેશનો વિકાસ તેના સાક્ષરતા આંક પરથી નક્કી થાય છે. દેશની શિક્ષિત પ્રજા દેશનો વિકાસ કરી શકે. વિશ્વમાં શાંતિ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે પણ સાક્ષરતા મહત્વની છે. આથી, શિક્ષણનું મહત્વ દરેક વ્યક્તિએ સમજવું જરૂરી છે. સરકાર દ્વારા નિરંતર શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય અને શહેરી બેય વિસ્તારોમાં નિરક્ષર વ્યક્તિઓને શિક્ષણ આપી રાજ્યને સંપૂર્ણ સાક્ષર બનાવવાનું નિરંતર શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે “સબ પઢે સબ બઢે”, “પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા” અને “ઈચ વન ટીચ વન”, “બેટી બચાઓ બેટી પઢાવો” જેવા સુત્રોને સાર્થક કરવા દરેક જાગૃત નાગરિકે આસપાસમાં રહેતા નિરક્ષર વ્યક્તિઓને અક્ષરજ્ઞાન આપી, પરોક્ષ રીતે રાજ્ય અને દેશમાંથી સંપૂર્ણ નિરક્ષરતા નાબુદી માટે પ્રયાસો કરવા અનિવાર્ય છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..