વર્તમાનમાં વિશ્વ પર્યાવરણ સંબંધી જટિલ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ત્યારે તારીખ 5 જુન એ સમગ્ર વિશ્વમાં 'વિશ્વ પર્યાવરણ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તા. 5મી જૂનના દિવસને 'વિશ્વ પર્યાવરણ દિન' તરીકે ઊજવવામા આવે છે. સ્ટોકહોમ (સ્વીડન)માં યોજાયેલ માનવ પર્યાવરણ કોન્ફરન્સ-1972માં યુએન જનરલ એસેમ્બલી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ઇ.સ. 1974 થી દર વર્ષે 5 જૂને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉજવાય છે. એક રીતે જોઈએ તો વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વ પ્રથમ સમ્રાટ અશોકે કર્યો હોવાનું કહી શકાય. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને તેના રક્ષણ માટેના નિયમો પણ એના સમયમાં બન્યા. જેના વિશે શિલાલેખોમાં માહિતી જોવા મળે છે. પર્યાવરણ દિવસનો ઉદ્દેશ વૈશ્વિક પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવી તેમજ પર્યાવરણની જાળવણી માટે સામૂહિક પ્રયાસોને વેગવાન બનાવવાનો છે. પર્યાવરણ એ કુદરતની માજવજાત માટે ઊભી કરેલી એવી રચના છે કે જેના વિના માનવીનો વિકાસ અને માનવ સંસ્કૃતિની પ્રગતિ શક્ય નથી. દરેક જીવના અસ્તિત્વ માટે પણ સંતુલીત પર્યાવરણ અનિવાર્ય છે. માનવ જાતે વિકાસની આંધળી દોડમાં પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે. માનવજાતે વૈશ્વિક પર્યાવરણને કરેલા નુકશાનની અસરો આજે તેના ગંભીર સ્વરૂપે દેખાઇ રહી છે. ગ્લોબલ વૉર્મિંગ, ઓઝોન સ્તરમાં ખવાણ, ઋતુચક્રમાં ફેરફાર, જળ, જમીન અને હવાની બદતર બનેલી ગુણવત્તાં એ તેના દ્રશ્યમાન લક્ષણો છે. ત્યારે પર્યાવરણ જતનની અનિવાર્યતાને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ કરવું, પ્રદૂષણ અટકાવવું સહિતના પગલાં લેવા જોઈએ. તો જ ભવિષ્યમાં આવનારા પડકારોનો સામનો કરી શકાશે. પર્યાવરણ જાળવણી માટે હકારાત્મક વલણ રાખી સામાન્ય લોકો, સરકાર અને પ્રકૃત્તિવિદ્દોના પ્રયાસ કરવાથી 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી માત્ર દંભ નહીં પણ સાર્થક બનશે.