ડુંગરાળ વિસ્તારની વચો-વચ્ચ આવેલા વાંકાનેર શહેરમાં ચકલી સહિતના પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ વાંકાનેર : તા. 20 માર્ચને સમગ્ર વિશ્વમાં ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પહેલાંનાં સમયમાં ઘરનાં આંગણે, ફળિયામાં, વૃક્ષો પર, દરેક સ્થળે ચકલી જોવા મળતી હતી. ઘર આંગણે ચકલીઓનો કલરવ સંભળાતો, જ્યારે હવે ધીમે ધીમે આ નાના એવા જીવની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. વાંકાનેર શહેર ડુંગરાળ વિસ્તાર વચ્ચે વસેલ હોય અહીં મોર, કાબર, તેતર, બુલબુલ, દેવચકલી, અને ચકલી સહિતના વિવિધ પક્ષીઓ જોવા મળે છે. પક્ષીઓને અનુકૂળ ડુંગરાળ વિસ્તાર હોવાથી વિવિધ પક્ષીઓ જોવા મળે છે. વાંકાનેરનાં પર્યાવરણ પ્રેમી શિક્ષક ભૂપતભાઈ છૈયા દ્વારા પણ ચકલી પ્રજાતિને લુપ્ત થતી અટકાવવા અવિરત પ્રયાસો જનજાગૃતિ લાવી કરવામાં આવી રહ્યા છે. આવા જ એક પ્રયાસનાં ભાગરૂપે આજે વિશ્વ ચકલી દિવસ નિમિતે વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે સાંજે 3 થી 7 દરમ્યાન રાહતદરે પાણીનાં કૂંડાનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.