માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હેઠળનો દલવાડી સર્કલથી પાંચાસર ચોકડી સુધીનો રોડ મહાપાલિકાને સોંપાતા વેંત જ ત્યાં ડીમોલેશનની કાર્યવાહી મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે બાયપાસ રોડનો વારો લેવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશનરની હાજરીમાં અહીં અંદાજે 50 જેટલા દબાણો ઉપર જેસીબી ચલાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય રોડને દબાણ મુક્ત કરવા માટે દર બુધવારે વન વિક વન રોડ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.જેમાં એક રોડ પસંદ કરી ત્યાં નડતરરૂપ દબાણો હટાવવામાં આવે છે. આજે આ ઝુંબેશ અંતર્ગત બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલથી પાંચાસર ચોકડી સુધીનો રોડનો વારો લેવામાં આવ્યો છે. આજે સવારથી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાનીમાં મહાપાલિકાની ટિમે ડીમોલેશન શરૂ કરી દીધું છે. આ રોડ ઉપર દુકાનો અને હોટલો મળી કુલ 50થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યુ કે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હેઠળના 10 રોડ મહાપાલિકાને સોંપવામાં આવ્યા છે. તે પૈકીનો આ એક રોડ છે. આ તમામ રોડ ઉપર થોડા જ દિવસોમાં માર્કિંગની કામગીરી પૂર્ણ થઈ જશે. 10 મેં સુધી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે. ત્યારબાદ તમામ રોડ ઉપર નડતરરૂપ દબાણો સામે કાર્યવાહી કરવામાં આવશે.