સુભાષ બાબુ ખરેખર વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા? દેશના ઇતિહાસનો વણઉકેલ્યો પ્રશ્ન : ગાંધીજીએ આપ્યું હતું નેતાજીને 'દેશભક્તોના દેશભક્ત'નું બિરુદ : સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પરાક્રમ દિવસ તરીકે ઉજવાશે મોરબી : આજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે. ભારતીયોના મનમાં આઝાદીના લડાયક નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની છાપ અમીટ છે. તેમણે ભારતની બહાર રહીને ભારત માટે આઝાદ હિંદ ફોજનું સંચાલન કરીને આઝાદીની લડાઈ લડી હતી. સુભાષચંદ્ર બોઝે બીજા વિશ્વયુદ્ધ દરિમયાન આઝાદ હિન્દફૌજની રચના કરી હતી. તેમણે 'જય હિન્દ' જેવુ રાષ્ટ્રીય સુત્ર આપ્યુ હતું. ગાંધીજીએ સુભાષ બાબુને 'દેશભક્તોના દેશભક્ત'નુ બિરુદ આપ્યુ હતું. નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ ર૩મી જાન્યુઆરી ૧૮૯૭માં ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. બાળપણમાં જ અંગ્રેજ અફસરોના ભારતવાસીઓ પ્રત્યેના તિરસ્કારયુકત વર્તનના કારણે બાળ સુભાષચંદ્રને અંગ્રજો પ્રત્યે નફરત હતી. તેઓ સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત થઇ તેમના શિષ્ય બન્યા હતા.દેશમાં ગ્રેજયુએશન સુધીનું શિક્ષણ પૂર્ણ કરી વિદેશમાં ભણીને આઇ.સી.એસ. (ઇન્ડીયન સીવીલ સર્વીસ)ની પરીક્ષામાં ચોથા ક્રમે ઉર્તીણ થયા. પરંતુ અંગ્રેજ શાસનમાં ભારતની ગુલામીની દશા જોઇ તેમનું લોહી ઉકળી ઉઠયું અને સરકારી નોકરીને ઠોકર મારી, દેશની આઝાદીની લડાઇને વધુ મહત્વપૂર્ણ માની સ્વાતંત્ર સેનાનીઓના રસ્તે ચાલી નીકળ્યા. ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી અંગ્રેજો સામેના અસહયોગ આંદોલનમાં જોડાયા. ૧૯૩૮ અને ૧૯૩૯માં એમ બે વખત રાષ્ટ્રીય કોંગ્રેસના અઘ્યક્ષ બન્યા. ઉલ્લેખનીય છે કે ભારતના સ્વતંત્રતા સંગ્રામના મુખ્ય ચહેરાઓમાંના એક તેજ તર્રાર સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવશે તેમ સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલા પણ નેતાજીની 125મી જન્મજયંતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નેતાજી સુભાષચંદ્ર બોઝની વીરતા સર્વવિદિત છે. નેતાજી જેવા સ્કોલર, સોલ્જર અને સ્ટેટસમેનની 125મી જન્મ જયંતિ સાથે જોડાયેલા કાર્યક્રમોની ટુંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. નેતાજીનો રસસ્યમય અંતિમ પ્રવાસ દ્વીતીય વિશ્વયુદ્ધમાં જાપાનના પરાજય બાદ 18મી ઓગષ્ટ 1945ના રોજ નેતાજી વિમાન મારફતે મંચુરીયા તરફ જતા હતા. તે સમયે તેમનુ વિમાન રહસ્યમય રીતે લાપતા થઈ ગયું. ત્યારપછી તેઓ ક્યારે કોઈને જોવા મળ્યા નથી. 23મી ઓગષ્ટ 1945ના દિવસે જાપાનની 'દોમઈ' સંસ્થાએ વિશ્વમાં સમાચાર આપ્યા કે, 18મી ઓગષ્ટના રોજ નેતાજીનુ વિમાન તાઈવાન નજીક દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. સ્વતંત્રતા મળ્યા પછી ભારતે આ ઘટનાની તપાસ કરાવવા માટે 1956 તથા 1977માં બે વખત આયોગની નીયુક્તી કરી હતી. દુર્ઘટનામાં નેતાજીનુ મોત થયુ હોવાનો રિપોર્ટ બંને વખત થયેલી તપાસ બાદ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ તાઈવાનની સરકાર સાથે બંને આયોગ દ્વારા કોઈ પણ પ્રકારની વાતચીત કરવામાં આવી ન હતી. 1999માં મનોજકુમાર મુખર્જીના નેતૃત્વમાં ત્રીજા આયોગની રચના કરવામાં આવી હતી. તપાસ દરિમયાન 2005માં તાઈવાન સરકારે મુખર્જી આયોગને જણાવ્યુ હતુ કે, 1945માં તાઈવાનની ભુમી પર કોઈ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ જ ન હતુ. 2005માં મુખર્જી આયોગે ભારત સરકારને પોતાનો રિપોર્ટ સુપરત કર્યો, જેમાં તેમણે દર્શાવ્યુ હતુ કે, નેતાજીની મૃત્યુ વિમાન દુર્ઘટનામાં થયુ હોવાના કોઈ પુરાવા નથી. ભારત સરકારે મુખર્જી આયોગની આ રિપોર્ટનો અસ્વીકાર કરી દીધો. 18મી ઓગષ્ટ, 1945ના દિવસે નેતાજી ક્યાં ગુમ થઈ ગયા અને ત્યાપછી શું બન્યુ? તે ભારતના ઈતિહાસમાં અનુત્તર રહેલો સૌથી અઘરો પ્રશ્ન બની ગયો છે. 'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા' જેવું લોહીમાં જોમ ભરી દે તેવું સૂત્ર આપનાર અને 'નેતાજી'નું બિરુદ પામનાર તેમજ અંગ્રેજ સરકારે જેમને 'રાયબહાદુર'નો ખિતાબ આપ્યો હતો તેવા સુભાષચંદ્ર બોઝ દેશના ભાગલા વખતે હોત તો ભારતને વિભાજનનો માર વેઠવો ન પડત આ વાતનો સ્વીકાર ખુદ ગાંધીજીએ પણ કર્યો હોવાનું કહેવાય છે.