કવિઓની નજરે ગરવી ગુજરાતનો સ્થાપના દિવસ : જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત મોરબી : દેશને સ્વતંત્રતા મળી તે વખતે ભાગલા પછી વર્ષ 1947માં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. વર્ષ 1956માં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા અને તેને બૃહદ મુંબઇ રાજ્ય નામ અપાયું. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી 1 મે, 1960ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા. આજે 1 મે, 2021ના રોજ ગુજરાતનો 61મો સ્થાપના દિવસ છે. ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે. ગુજરાતમાં અનેક મહાન કવિઓ અને લેખકો થઈ ગયાં. આથી, ગુજરાતી સાહિત્ય ગુજરાત વિશેની કવિતાઓ, લેખો, નિબંધોથી સમૃદ્ધ છે. ત્યારે આજે કવિઓની નજરે ગરવી ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવીએ. ગુજરાતની વાત આવે ત્યારે સૌથી પહેલા કવિ નર્મદ યાદ આવે. તેમની ગુજરાતના ગૌરવની ગાથા વર્ણવતી કવિતા 'જય જય ગરવી ગુજરાત' પ્રસિદ્ધ છે. કવિતા દ્વારા સમગ્ર ગુજરાતનો ઈતિહાસ, આબોહવા, સ્થાન, ધર્મ અને વીરતાનો પરિચય મળે છે. જય જય ગરવી ગુજરાત! જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત, ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકીત; તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત - ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. કવિ અરદેશર ફરામજી 'ખબરદાર' દ્વારા લખાયેલી કવિતાની પ્રથમ પંક્તિ કહેવત બની બની ગઈ છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ ગૌરવથી તે કહેવત બોલતા હોય છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત. તો કવિ ઉમાશંકર જોશી ગુજરાતની ભૂમિને ધન્ય ગણાવી તેનો મહિમા આલેખ્યો છે. ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ગિરા ગુજરાતી, કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી. કવિ હેમંત ઉપાધ્યાય પોતાના વતન ગુજરાતને યાદ કરતા લખે છે કે, ભલે છીએ વતનથી દુર, ભીતરમાં છે વસે છે ગુજરાત. કર્મ,વાણી, મન ડોલરિયા, હ્રદયમાં હ્સે છે ગુજરાત. હાય, બાય ને વાય કહુ ભલે, જયશ્રી કૃષ્ણનો નાદ ગુજરાત. વર્તમાનમાં વેપાર હોય કે રાજકારણ હોય કે રમતગમત હોય, કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં ગુજરાતી પાછળ રહી ગયો હોય. ગુજરાતમાં હોય કે વિદેશમાં રહેતો ગુજરાતી હોય તે પોતાના ક્ષેત્રમાં સિદ્ધિ અપાવી ગુજરાતને ગૌરવ અપાવે છે. આથી, જ એક અજ્ઞાત કવિ ગુજરાતીને સફળતાનો પીનકોડ ગણાવે છે. સફળતાનો પીનકોડ ગુજરાતી, સૌ સમસ્યાનો તોડ ગુજરાતી. કૈંક અચ્છો કૈંક અળગો ગુજરાતી, એકડાનો કરે બગડો ગુજરાતી. નમ્રતાનું બોનસાઇ ગુજરાતી, સિદ્ધિઓની વડવાઇ ગુજરાતી. ભાવનગરના ગઝલકાર જીજ્ઞા ત્રિવેદી ગુજરાતનું ગૌરવ દર્શાવતા બે ગીતોની રચના કરી છે. આ કવિતાઓમાં ગુજરાતી સંસ્કૃતિ અને ભૌગોલિક વિવિધતાની સાથે ઉજળા ભવિષ્યની કલ્પનાને વણી લેવામાં આવી છે. માતૃભાષા પ્રાણસમી પ્યારી લાગે છે ગુજરાતી ગુર્જરવાસીના ઉરમાં ઉર્મિ ઉછળે છે ગુજરાતી. ગુજરાતી ભાષાનો પાલવ પકડી સૌ સંતાન, જીવી રહ્યા એ બાબતનું ગુર્જર છે અભિમાન આશીશ દઈ સૌને હરપળ પ્રેમસુધા રસ પાતી ગુર્જરવાસીના ઉરમાં ઉર્મિ ઉછળે છે ગુજરાતી 2. પાવન ચરણોની આરતી ઉતારે સૌ સંતાન જય હો, જય હો ગુર્જરી માત ગાયે નિશદિન ગૌરવગાન. ગરવો ગઢ ગિરનાર અપાવે નરસિંહ કેરી યાદ સોમનાથને દ્રારકેશથી ધરતી છે રળિયાત, છે પાવાગઢના ડુંગર કેરી પણ સદીઓથી શાન, જય હો, જય હો ગુર્જરી માત ગાયે નિશદિન ગૌરવગાન. ભગવાન શ્રીકૃષ્ણ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ધીરુભાઈ અંબાણી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના અનેક મહાન વ્યક્તિત્વોની જન્મભૂમિ-કર્મભૂમિ ગુજરાત રહી છે. ત્યારે ગુજરાતી હોવાનું ગૌરવ દરેક ગુજરાતી હોય છે. તે તેના મોજીલા સ્વભાવમાં છલકાતું હોય છે. એટલે જ કહેવાય છે કે, લાંબો ડગલો મુંછો વાંકડી, શિરે પાઘડી રાતી, બોલ બોલતો તોળી તોળી, છેલ છબીલો ગુજરાતી... તન છોટુ પણ મન મોટું, છે ખમીરવંતી જાતી, ભલે લાગતો ભલો ભોળો, હું છેલ છબીલો ગુજરાતી...