ભારતનું બંધારણ લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા તથા રાષ્ટ્રીય અખંડિતતા જેવાં રાષ્ટ્રીય લક્ષ્યોનો આધારસ્તંભ છેમોરબી : કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. ભારતનું બંધારણ આપણા દેશનો સર્વોચ્ચ કાયદો છે. ભારત દેશમાં બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું બંધારણ બંધારણસભામાં 26 નવેમ્બર, 1949ના દિવસે પસાર થયું હતું અને 26 જાન્યુઆરી, 1950ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. જેથી, તા. 26 નવેમ્બર બંધારણ દિવસ તરીકે ઉજવાય છે. તેમજ 26 જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઊજવામાં આવે છે. મૂળ અપનાવાયેલા બંધારણમાં 22 ભાગો, 395 અનુચ્છેદ અને 08 અનુસૂચિઓ હતી. જેમાં બંધારણીય સુધારા દ્વારા વખતોવખત ફેરફાર કરવામાં આવ્યા છે.ભારતનું બંધારણ લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા તથા રાષ્ટ્રીય અખંડિતતા જેવાં રાષ્ટ્રીય લક્ષ્યોનો આધારસ્તંભ છે. આપણા દેશના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. ભારત અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્ર થવાની સાથે બંધારણસભાની રચના કરવામાં આવી હતી. બંધારણસભાએ 09 ડિસેમ્બર, 1946થી પોતાનું કાર્ય શરૂ કર્યું હતું.બંધારણસભામાં વિદ્વાન નેતાઓનો એક વિશિષ્ટ સમૂહ હતો. આ નેતાઓની દીર્ઘદ્રષ્ટિ તથા રાજનૈતિક દૃષ્ટિ બંધારણમાં સમાવિષ્ટ થાય છે. જવાહરલાલ નહેરુ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામાપ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ જેવા નેતાઓએ માર્ગદર્શન આપ્યું હતું. ફ્રેંક એન્થોની તેમજ એચ.પી.મોદીએ પણ પ્રતિનિધિત્વ કર્યું હતું. અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર, ડૉ. બી. આર. આંબેડકર, કે. એમ. મુનશી જેવા બંધારણના વિશેષજ્ઞો પણ આ સભાના સભ્યો હતા. સરોજિની નાયડુ તથા વિજયાલક્ષ્મી પંડિત જેવાં મહિલા સભ્યો હતાં.ડૉ. રાજેન્દ્ર પ્રસાદને બંધારણસભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બંધારણનો ખરડો તૈયાર કરવા માટે ખરડા સમિતિ બનાવવામાં આવી હતી, જેના અધ્યક્ષ ડૉ. બી. આર. આંબેડકર હતા. બંધારણસભાની 02 વર્ષ 11 માસ 18 દિવસમાં 166 બેઠક થઈ. જેમાં 26 નવેમ્બર, 1949ના દિવસે બંધારણને બંધારણસભાએ સંમતિ આપી, જે 26 જાન્યુઆરી, 1950થી અમલમાં આવ્યું હતું.