દેવશયની એકાદશીથી ચાતુર્માસ બાદ દેવઉઠી એકાદશીથી થાય છે શુભ કાર્યોનો આરંભમોરબી : ગુજરાતી પંચાંગ મુજબ કારતક મહિનાના સુદ પક્ષની અગિયારસે દેવઊઠી એકાદશી આવે છે. દેવઉઠી એકાદશી આ વર્ષે 23 નવેમ્બર, 2023 એટલે કે આજે ઉજવવામાં આવશે. આ વર્ષે અધિક માસ હોવાથી ચારના બદલે પાંચ મહિનાની નિંદ્રા બાદ ભગવાન વિષ્ણુ જાગી જશે. આ અગિયારસને દેવઉઠી એકાદશી અથવા દેવોત્થાન એકાદશી કહેવામાં આવે છે. આ દિવસથી ભગવાન શ્રી વિષ્ણુ સૃષ્ટિની સંભાળ લે છે. આ દિવસે તેમના લગ્ન તુલસી સાથે થયા હતા. પરંપરા મુજબ તુલસીજીના વિવાહ દેવ દેવઉઠી એકાદશીના રોજ કરવામાં આવે છે. આ દિવસે તેમને શણગારવામાં આવે છે, ચૂંદડીથી ઢાંકવામાં આવે છે અને પ્રદક્ષિણા કરવામાં આવે છે. દેવઉઠી એકાદશીથી ચાતુર્માસનો સમયગાળો સમાપ્ત થાય છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સૂઈ જાય છે અને આ દિવસે તેઓ જાગે છે. દેવઉઠી એકાદશીના દિવસે લોકો સવારે વહેલા ઊઠીને સ્વચ્છ વસ્ત્રો પહેરે છે. સનાતન ધર્મમાં દેવ પ્રબોધિની એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં શંખ ફૂંકીને ભગવાન વિષ્ણુને જાગૃત કરવામાં આવે છે. સાંજે શ્રી વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપમાં તુલસી વિવાહ થશે અને દીવાનું દાન કરવામાં આવશે.દેવઉઠી એકાદશીની કથાશાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુએ રાક્ષસ શંખાસુરનો વધ કર્યો હતો અને તે પછી તે ચાર મહિના સુધી યોગ નિદ્રામાં ગયા હતા. ત્યારપછી તેઓ કારતક માસના શુક્લ પક્ષની એકાદશી પર ચાર મહિના પૂરા થયા પછી જાગે છે. એક પૌરાણિક માન્યતા એવી પણ છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ ફરીથી સૃષ્ટિ ચલાવવાની જવાબદારી સંભાળે છે અને ચાતુર્માસ બાદ આ દિવસથી તમામ પ્રકારના શુભ કાર્યો પણ શરૂ થાય છે. તેથી, દેવઉઠી એકાદશી પર ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવી જરૂરી છે.