રાણીમાં રૂડીમાંના મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય, અકસ્માત ન સર્જાય તે માટે તાકીદે પગલાં લેવાની માંગવાંકાનેર : તાલુકાના કેરાળા ગામ ખાતે રાણીમાં રૂડીમાંનુ ધાર્મીક તીર્થસ્થળ છે. જ્યાં આગામી અષાઢી બીજના દિવસે હજારોની સંખ્યામાં ભકતો દર્શનાર્થે આવવાના છે. તેથી નેશનલ હાઈવેથી કેરાળા ગામ સુધીના રસ્તાની બન્ને સાઈડ દબાણ કરવામાં આવેલ દૂર કરવા તાલુકા પંચાયત પ્રમુખે માર્ગ- મકાન વિભાગને રજૂઆત કરી છે. તાલુકા પંચાયત પ્રમુખ કૈલાશબા હરુભા ઝાલા દ્વારા મોરબી માર્ગ અને મકાન વિભાને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે શહેર નજીક વાંકાનેર- ચોટીલા બાઉન્ડ્રી નેશનલ હાઈવે પર કેરાળા ધામ જવા માટે પાટિયું આવે છે. હાઇવેથી લગભગ પાંચ કિલોમીટર અંતરે જગવિખ્યાત રાણીમાં રૂડીમાંનુ મંદિર આવેલું છે. દર પૂનમ તથા અષાઢી બીજના દિવસે મંદિર ખાતે હજારોની સંખ્યામાં દૂર દૂરથી દર્શનાર્થીઓ દર્શનાર્થે આવતા હોય છે ત્યારે રસ્તાની બંને બાજુ ખેડુતો દ્વારા પાણીના ધોરીયા કરવામાં આવેલ છે. જેના કારણે રસ્તો એકદમ સાંકડો બની ગયો છે. જેના લીધે રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાય છે. આ રસ્તે બે વાહનોને સામ સામે પસાર થવા માટે વાહનો ઊભા રાખી ધીરે ધીરે નિકળવું પડે છે ત્યારે હવે ચોમાસાની ઋતુમાં રસ્તાની બંને બાજુ વરસાદી પાણી ભરાય જવાથી અજાણ્યા વાહન ચાલક જરા પણ ગફલત કરે તો જીવલેણ અકસ્માત સર્જાવાની શક્યતા વધી ગઈ છે ત્યારે કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવે તેવી પ્રમુખ કૈલાશબા ઝાલા દ્વારા માંગ કરવામાં આવી છે.