સેમિનારમાં તજજ્ઞો દ્વારા પરીક્ષા સંદર્ભે વિશેષ માર્ગદર્શન અપાશે મોરબી : મોરબીની દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી ખાતે લાયન્સ કલબ દ્વારા વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવાના હેતુથી આગામી ૨૧મીએ શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને રાજકોટના ગિજુભાઈ ભરાડ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી માર્ગદર્શન આપશે. આ સેમિનારનું ડબલ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા બલદેવપુરી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું છે. સેમિનારમાં વિદ્યાર્થીઓને ધો. ૧૦માં કઈ રીતે સરળતાથી પાસ થઈ શકાય, બોર્ડના પેપરમાં કેવી રીતે લખાય, માર્ક કઈ રીતે મુકાતા હોય છે, સરળતાથી બોર્ડની પરીક્ષા કઈ રીતે પાસ કરી શકાય, ધો. ૧૦ અને ૧૨ પછી શું? વગેરે મુદ્દાઓ પર માહિતી આપવામાં આવશે. સાથે બોર્ડ ફર્સ્ટ વિદ્યાર્થીઓના પેપર પણ બતાવવામાં આવશે. આ સેમિનાર વિનામૂલ્યે છે. સેમિનારનો સમય સવારે ૯થી ૧૨ સુધીનો રહેશે. આ સેમિનારમાં ભાગ લેવા માટે લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગના પ્રમુખ વીરેન્દ્ર આર. પાટડીયા ( મો.નં. ૯૮૨૫૧ ૬૨૨૨૫), મંત્રી સંદીપ સી. દફ્તરી, ખજાનચી ભાવેશ એલ. ચંદારાણા, પ્રોજેકટ ચેરમેન મનીષ પારેખે અનુરોધ કર્યો છે.