તમામ 13 વોર્ડમાં સઘન સફાઈ અભિયાન શરૂ કરાયું, દર 15 દિવસે સફાઈ કામગીરીનો રીવ્યુ કરી વિજેતા વોર્ડ જાહેર કરાશે મોરબી : સીરામીક નગરી મોરબી શહેરને સ્વચ્છ, સુઘડ અને ચોખ્ખું ચણાક બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા નવતર પ્રયોગ સાથે તમામ 13 વોર્ડ માટે આંતરિક વોર્ડ સફાઈ સ્પર્ધા શરૂ કરી છે. જેમાં દરેક વોર્ડમાં દરેક રોડની વોલ ટુ વોલ સફાઈ કરી શ્રેષ્ઠ કામગીરી કરનાર વોર્ડને વિજેતા જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કે ચાર વોર્ડમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલ સઘન સફાઈ ઝૂંબેશમાં વોર્ડ નંબર 11 શ્રેષ્ઠ સફાઈ કામ બદલ પ્રથમ નંબરે આવ્યો હોવાનું જાહેર કરાયું છે.મોરબી મહાનગર પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા શરૂ કરવામાં આવેલ નવતર પહેલ અંગે કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું હતું કે, સીરામીક નગરીને સ્વચ્છ બનાવવા માટે તમામ 13 વોર્ડમાં સઘન સફાઈ અભિયાન કરવામાં આવ્યું છે જેમાં દર પંદર દિવસે તમામ વોર્ડમાં થયેલી સફાઈ કામગીરીની સમીક્ષા કરી શ્રેષ્ઠ સફાઈ કરનાર વોર્ડને વિજેતા જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કે વોર્ડ નંબર 4,9,10 અને 11માં પ્રયોગ કરવામાં આવતા 15 દિવસની અંદર વોર્ડ સફાઈ અભિયાન દરમિયાન વોર્ડ નંબર 9 અને 11માં વોલ ટુ વોલ એટલે કે રસ્તાની બન્ને દીવાલો સુધીનો ભાગ સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો. સાથે જ વોર્ડ નંબર 4 અને 10 હાફ ક્લિનીંગ થયા હતા.એકદંરે વોર્ડ નંબર 11ની કામગીરી ખુબ જ સારી રહેતા વોર્ડ-11ને પ્રથમ ક્રમે જાહેર કરવામાં આવ્યો હતો.બીજીતરફ વોર્ડ સફાઈ સ્પર્ધાની સાથે જ શહેરમાં રાત્રી સફાઈમાં પણ સઘન સફાઈ પણ સઘન બનાવવામાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું.પ્રિ-મોન્સૂનની સઘન કામગીરીને કારણે આ વર્ષે પાણી નહીં ભરાઈ મોરબી શહેરમાં સઘન સફાઈની સાથે જ આ વર્ષે પ્રિમોન્સુન કામગીરી પણ સઘન રીતે કરવામાં આવી રહી હોવાનું જણાવી કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું હતું કે, શનાળા રોડ ના 37 પોઇન્ટ ઉપર સઘન સફાઈ ઝૂંબેશ કરવામાં આવી છે.ઉપરાંત ધૂતારી વોંકળો,નવલખી રોડ પાસે આવેલ વોંકળાની પણ સફાઈ કરવાંમાં આવતા દર વર્ષે જે 35 સોસાયટીમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે તે આ વર્ષે નહીં થાય તેવો આશાવાદ કમિશનરે વ્યક્ત કર્યો હતો.