મોરબીમાં DDO ના અધ્યક્ષ સ્થાને મિશન લાઇફ (લાઇફ સ્ટાઇલ ફોર એન્વાર્યમેન્ટ) અંગેની બેઠકમાં લેવાયો નિર્ણય વોટર હાર્વેસ્ટીંગ, સોલાર રૂફટોપ, સાયકલ, કાપડની થેલીઓને પ્રોત્સાહન આપવા અંગે જરૂરી માર્ગદર્શન અપાયું મોરબી : ભારત સરકારના મિશન લાઇફ (લાઇફ સ્ટાઇલ ફોર એન્વાર્યમેન્ટ) અંગેની બેઠક જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. સમગ્ર બેઠકનું સંચાલન સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષકશ્રી તથા મિશન લાઇફ પ્રોજેકટના નોડલ ઓફિસર યુવારાજસિંહ ઝાલાએ કર્યુ હતું.મોરબી જિલ્લામાં કલાઇમેંટ ચેંજની અસર ઘટાડવા માટે જિલ્લામાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવા સબંધિત અધિકારીઓને કામગીરી સોપાઇ હતી તેમજ યોજના હેઠળ થયેલી કામગીરીની સમિક્ષા પણ કરવામાં આવી હતી.નાયબ વન સંરક્ષક યુવારાજસિંહ ઝાલાએ મિશન લાઇફનો હેતુ વિશે જણાવ્યુ હતું કે, સમગ્ર વિશ્વ વર્તમાનમાં પર્યાવરણીય કટોકટીનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારત સરકાર દ્વારા આપણો દેશ આ દિશામાં માર્ગ બતાવી રહ્યું છે. મિશન લાઇફએ પર્વારણ સાથે સંતુલન જાળવી સભાન જીવન કેળવવા માટેનું જન આંદોલન છે. આ મિશનનો મુખ્ય ઉદેશ વિચાર વિહીન વપરાશને બદલે વિચારપૂર્વક આગળ વધાવાનો છે. મિશન લાઇફની મહત્વની લાક્ષણિકતા ૨૦૨૭ સુધીમાં વિશ્વભરમાં વધુને વધુ લોકોને પર્યાવરણીય લક્ષી સાતત્યપૂર્ણ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાની પણ છે.આ બેઠકમાં મિશન લાઇફ અન્વયે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં મિયાવાકી પધ્ધતિથી વન બનાવી મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરાશે. તેમજ વોટર હાર્વેસ્ટીંગ અને સોલાર રૂફટોપનો પણ વધુને વધુ સરકારી કચેરીઓમાં ઉપયોગ થાય તે માટે કામગીરીને અગ્રતા આપવા જણાવાયુ હતું. વિવિધ કાર્યક્રમોના મારફતે પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીઓનો ઉપયોગ કરવા તથા આવી થેલીઓનું વિતરણ કરવા તેમજ પરિવહન માટે સાયકલનો ઉપયોગ કરવા, ઇવેસ્ટમાં ધટાડો કરવા જણાવાયુ હતું. તેમજ આ અંગે જનજાગૃતિ ફેલાવવાની પણ ચર્ચા થઇ હતી.આ તકે પ્રાંત અધિકારી ઉમંગ પટેલ, કાર્યપાલક ઇજનેર ડી. સોલંકી, સીડીએચઓ ડો. પવનકુમાર શ્રીવાસ્તવ, જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.