લોકો પોતાના પ્રશ્નો લખીને ઘડામાં નાખશે અને આ ઘડો ગાંધીનગર જઈને ફોડીશુઃ જીગ્નેશભાઈ મેવાણીપીડિત પરિવારો હજુ સુધી ન્યાય માટે કોર્ટના ધક્કા ખાય છે: પાલભાઈ આંબલિયામોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 9 ઓગસ્ટથી પ્રજાના વિવિધ પ્રશ્નોને લઈ ન્યાય યાત્રા શરૂ થનાર છે. આ ન્યાય યાત્રા મોરબીથી શરૂ થવાની છે અને સમગ્ર ગુજરાતમાં ફરવાની છે. ત્યારે આજ રોજ આ ન્યાય યાત્રામાં લોકોને જોડાવવા માટે જીગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ મોરબીની બજારોમાં ફરીને પેમ્પલેટ આપ્યા હતા અને લોકોને આ ન્યાય યાત્રામાં જોડાવવા અપીલ કરી હતી.આજ રોજ વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, પાલભાઈ આંબલિયા સહિતના નેતાઓ અને કાર્યકરો મોરબીના દરબારગઢથી પગપાળા ચાલીને બસ સ્ટેન્ડ સુધી લોક સંપર્ક યાત્રા શરૂ કરી છે. જેમાં દુકાનદારો, ધંધાર્થીઓ, રહેવાસીઓને મળીને ન્યાય યાત્રામાં જોડાવવા અપીલ કરવામાં આવી રહી છે. આ લોક સંપર્ક યાત્રા ત્રણ દિવસ ચાલશે.આ અંગે જીગ્નેશભાઈ મેવાણીએ મોરબી અપડેટ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મોરબી ઝૂલતા પુલનો જે કાંડ સર્જાયો તે માનવસર્જિત હત્યાકાંડ છે. ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ કાંડ સર્જાયો હતો. આ ઉપરાંત રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ, હરણી બોટ કાંડ, તક્ષશિલા આગ કાંડ જેવી દુર્ઘટનાઓમાં અનેક નિર્દોષ લોકોને આપણે ગુમાવ્યા છે. ત્યારે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને પીડિતોને ન્યાય મળે તે માટે મોરબીથી ગાંધીનગર સુધી 300 કિલોમીટરની ન્યાય યાત્રા કોંગ્રેસ દ્વારા 9 ઓગસ્ટે મોરબીથી કાઢવામાં આવશે. મોરબીથી આ ન્યાય યાત્રા ટંકારા જશે. ત્યાંથી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના સ્થળે પહોંચી ત્યાં સંવેદના સભા યોજાશે. ત્યારબાદ ચોટીલા પહોંચશે. ચોટીલાથી ન્યાયયાત્રા સુરેન્દ્રનગર પહોંચશે. સુરેન્દ્રનગર 15 ઓગસ્ટે ધ્વજવંદન કરીને વિરમગામ, સાણંદ, અમદાવાદ થઈને ન્યાય યાત્રા ગાંધીનગર પહોંચશે. આ ન્યાય યાત્રામાં સાથે ભાજપના પાપનો ઘડો રાખવામાં આવશે. જેમાં જે-જે નાગરિકો ભ્રષ્ટાચાર, અન્યાય, અત્યાચારનો ભોગ બન્યા હોય તેની ચબરખી લખીને આ ઘડામાં નાખશે. આ ઘડો ગાંધીનગર જઈને ફોડીશું.પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં એક પરિવારે 9-9 સભ્યો ગુમાવ્યા છે. હું અત્યાર સુધી ચાર વખત પીડિત પરિવારોને મળ્યો છે. તેઓ હજુ સુધી ન્યાય માટે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. ગુજરાતમાં બનેલી તમામ દુર્ઘટનાઓના પીડિતા પરિવારો ન્યાયની રાહ જોઈ રહ્યા છે. સરકાર જે તપાસ સમિતિ બનાવે છે તે સમિતિઓ ભીનું સંકેલો સમિતિઓ બનીને રહી જાય છે. ત્યારે અમે આજે લોકોને કહેવા નીકળ્યા છીએ કે આવો આ ન્યાય યાત્રામાં જોડાઈને સંઘર્ષના સાથી બનો.