પટેલ નાનજી ડોસા દુકાનધારક જાતે જ અધિકારી બની બેઠા, ચાર્જ વસૂલી GEBના ફોર્મની ટ્રુ કોપી બનાવી આપતા હોવાની રાવ જીઈબી કચેરી પાસેના દુકાનધારક ઘરની ધોરાજી ચલાવી રોડ એન્ડ બિલ્ડીંગના ભળતા નામના સિક્કાનો ઉપયોગ કરી લોકો પાસે પૈસા પડાવતા હોવાનું સામે આવ્યું મોરબી : મોરબીના સામાકાંઠે જીઈબી કચેરી પાસે આવેલી દુકાનના ધારક વીજળીને લગતા કોઈપણ કામોના ફોર્મ ભરીને ટ્રુ કોપી કરાવા માટે જાતે જ અધિકારી બની બેઠા હોય તેવી ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં ફોર્મ ભર્યા બાદ એમાં સક્ષમ અધિકારીના સિક્કા સાથે ટ્રુ કોપી કરવાની રહેતી હોય છે. પણ આ દુકાનના સંચાલકો જાતે જ માર્ગ અને મકાન વિભાગના અધિકારીના સિક્કાનો ઉપયોગ કરીને ફોર્મમાં ટ્રુ કોપી કરી આપતા હોવાનું સામે આવ્યું છે. આ રીતે ખરી નકલ તરીકે પ્રમાણિત કરીને લોકો પાસેથી નાણાંના ઉઘરાણા કરતા હોવાનું પણ સામે આવ્યું છે. મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર જીઈબીની કચેરી પાસે જ આવેલી પટેલ નાનજીભાઈ ડોસાભાઈ નામની દુકાનમાં વીજળીને લગતા કોઈપણ કામોના ફોર્મ ભરી આપવામાં આવે છે. જેમાં નવું વીજ કનેક્શન, મીટર બદલાવું, નામની ફેરબદલી સહિતના વીજળીને લગતા દરેક કામોના ફોર્મ લોકો પાસેથી ચાર્જ વસૂલ કરીને ભરી આપવામાં આવે છે. ખાસ કરીને આ વીજળીના કામો માત્ર ફોર્મ ભરવાના હોય છે. એમાં મકાનના દસ્તાવેજ સહિતની વિગતોની નકલ હોય એ ખરી નકલ દેખાડવા માટે સક્ષમ અધિકારી સહી-સિક્કો મારીને પ્રમાણિત કરે તો જ આ ફોર્મ સાથેની નકલો પ્રમાણિત ગણાય છે. પરંતુ આ દુકાનના સંચાલકો જાતે જ અધિકારી બની બેઠા હોય તેમ માર્ગ અને મકાન વિભાગના રોડ એન્ડ બિલ્ડીંગના સિક્કાનો ગેરઉપયોગ કરી ફોર્મમાં જોડેલી મકાનના દસ્તાવેજ સહિતની વિગતોની નકલોની ટ્રુ કોપી કરી આપે છે અને રોડ બિલ્ડીંગ સબડિવિજન-મોરબી નામના સિક્કાનો ઉપયોગ કરી ટ્રુ કોપી કરીને લોકો પાસે એનો તગડો ચાર્જ વસુલ કરે છે. વિનામૂલ્યે અધિકારી પાસે થઈ જતા સહી-સિક્કામાં આ લોકો ગેરકાયદે અધિકારીના સિક્કાનો ઉપયોગ કરીને લોકો પાસેથી મનફાવે તેવો ચાર્જ વસુલ કરતા હોવાનું સામે આવ્યું છે. શું કહે છે માર્ગ અને મકાન વિભાગના અધિકારી? આ મામલે માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે આ ઓફિસ દ્વારા જે ટ્રુ કોપી કરવામાં આવે છે, તેવી કોઈ સહી કે સિક્કા અમારા વિભાગના છે જ નહીં. માર્ગ અને મકાન વિભાગના સિક્કામાં રોડ એન્ડ બિલ્ડીંગ હોય છે. એટલે આ દુકાનના સંચાલકો ભળતા નામથી આ સિક્કાનો ગેરઉપયોગ કરીને લોકો પાસેથી ચાર્જ વસુલ કરે છે. એક-એક ટ્રુ કોપીના ફોર્મ સહિત રૂ. 70નો ચાર્જ વસુલ કરે છે. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.