બન્નેએ આરોગ્યમંત્રીને પત્ર લખી તાકીદે દવાઓનો જથ્થો પૂરો પાડવા કરી રજુઆત મોરબી : મોરબી જિલ્લામાં હાલ કોરોનાની દવાની ઘટ વર્તાઈ રહી હોય દવાઓનો પૂરતો જથ્થો ફાળવીને ઘટ દૂર કરવા જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલ છગનભાઈ શિહોરા અને ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાએ આરોગ્યમંત્રીને રજુઆત કરી છે. રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી દ્વારા મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેઓ આદેશ આપ્યો હતો કે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને વધુ વસ્તી ધરાવતા ગામોમાં 15 બેડ કે તેથી વધુની કેપેસિટીવાળા આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવશે. જેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર અગાઉ કોરોનાના દર્દીઓ માટે જે દવાઓનો ઉપયોગ થતો અને હાલમાં મુખ્યમંત્રીના આદેશની અમલવારી બાદ કોરોના લગત દવાઓના ઉપલબ્ધ સ્ટોક સામે વપરાશ ખૂબ જ મોટા પ્રમાણમાં વધ્યો છે. જેથી મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓને કોરોનાની દવાઓની જરૂરિયાત મુજબની દવાઓ મળી રહે અને અસંતોષ ન રહે તે માટે મોરબી જિલ્લામાં જેમ 15 બેડ કે તેથી વધારેની કેપેસિટી વાળા આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવેલ છે. તે મુજબ કોરોનાને લગત દવાઓનો સ્ટોક પણ વધુ ફાળવવામાં આવે તેવી માંગ છે.