તિરંગા યાત્રા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી યોજાશે: 15મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી માળિયાના દહીંસરા ગામે થશેમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં આગામી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં 9 થી 17 ઓગસ્ટ દરમિયાન આ વર્ષની થીમ 'વંદે માતરમ@150' અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મોરબીમાં પણ ભવ્ય ઉજવણી થશે. સમગ્ર કાર્યક્રમ અંગે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા માહિતી આપવામાં આવી હતી.જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના જણાવ્યા પ્રમાણે, મોરબી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા 13 ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે મંત્રીની ઉપસ્થિતિમાં યોજાશે. આ યાત્રા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈને સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂ સુધી યોજાશે. યાત્રાના પ્રસ્થાન સ્થળે 'વંદે માતરમ'નું સંપૂર્ણ સામૂહિક ગાન કર્યા બાદ ફ્લેગ ઓફ કરવામાં આવશે. સમગ્ર રૂટ પર શાળાના બાળકો દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા રજૂ કરવામાં આવશે. આ યાત્રામાં જોડાવા મોરબીવાસીઓને અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લામાં 9 થી 17 ઓગસ્ટ દરમિયાન તમામ તાલુકા, નગરપાલિકાઓ, શાળાઓ અને કોલેજોમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે.14 ઓગસ્ટ 1947માં થયેલા દેશના વિભાજનની સ્મૃતિમાં 14 ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાતની સાથે મોરબીમાં પણ 'વિભાજન વિભિષિકા સ્મૃતિ દિન' મનાવવામાં આવશે. મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ટંકારા તાલુકાના વીરપર ખાતે આવેલી નાલંદા વિદ્યાલયમાં સાંજે 5 થી 7 દરમિયાન યોજાશે. આ કાર્યક્રમમાં વ્યાખ્યાન માળા અને દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ થશે. જિલ્લાની તમામ શાળાઓમાં ચિત્ર અને નિબંધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવનાર છે. વિભાજનની દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાંજે 7 કલાકે નાલંદા વિદ્યાલયથી નવયુગ સ્કૂલ સંકુલ સુધી એક કેન્ડલ માર્ચ (મૌન રેલી) યોજવામાં આવશે.આ સાથે જ 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી માળિયા (મિયાણા) તાલુકાના દહીંસરા ગામે કરવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટર દ્વારા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #TirangaYatra #VibhajanVibhishika #IndependenceDay #HarGharTiranga #MorbiNews #Tankara #Maliya