પોસ્ટ ઓફીસમાં ઓછા તિરંગા આવતા તિરંગા લેવા આવતા લોકોને ધરમના ધક્કા મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સરકારે હર ઘર તિરંગા યોજના અમલમાં મૂકી દરેક ઘરે તિરંગા લહેરાઈ એ માટે નજીકની પોસ્ટ ઓફીસ સહિતની કચેરીએથી લોકોને તિરંગા મળી રહે તેવું આયોજન કર્યું છે. પરંતુ મોરબીની પોસ્ટ ઓફીસમાં ખુબજ ઓછો તિરંગાનો જથ્થો આવ્યો હોય અને સામે તિરંગા લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. પોસ્ટ ઓફિસમાં તિરંગા જ ન હોવાથી લોકોને ધરમના ધક્કા થતા ભારે રોષ વ્યાપી ગયો છે. મોરબીના સામાકાંઠે આવેલ પોસ્ટ ઓફીસમાં સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન હેઠળ માત્ર 25 જ તિરંગા ફાળવામાં આવ્યા હતા. જો કે સરકાર દ્વારા મસમોટી જાહેરાત કરવામાં આવી હતી કે, લોકોને તિરંગા મેળવવા માટે પોસ્ટ ઓફીસનો સંપર્ક કરવો. તિરંગા ઓફલાઇન અને ઓનલાઈન મળી જશે એવા દાવા વચ્ચે મોરબીની પોસ્ટ ઓફિસમાં બહુ જ ઓછા તિરંગા આવતા અને એની સામે ડિમાન્ડ બહુ જ મોટી હોવાથી તિરંગા ન મળતા લોકો રોષે ભરાયા હતા. જ્યારે શહેરમાં આવેલી પરાબજારમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફીસમાં આવેલા 1500 જેટલા તિરંગા તો થોડા સમયમાં જ ખલાસ થઈ ગયા હતા.આથી સ્કૂલના સંચાલકો તેમજ જુદાજુદા ગામડાઓના આગેવાનોને તિરંગા વગર જ ખાલી હાથ પરત ફરવું પડ્યું છે. લોકોની ડિમાન્ડ મોટી હોય અને એની સામે ઓછા તિરંગા આપતા દરેક લોકો સુધી તિરંગા ન પહોંચવાથી આવી સ્થિતિમાં હર ઘર તિરંગા ક્યાંથી લહેરાશે.આ અંગે પોસ્ટ માસ્તરે જણાવ્યું હતું કે પૂરતા પ્રમાણમાં તિરંગા ફાળવવા કહ્યું છે.