મોરબી : કમોસમી વરસાદના કારણે થયેલા પાકના નુકસાનથી પીડાતા ખેડૂતો માટે સરકારે રૂ. 10,000 કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. જેની સમય મર્યાદા આજે તા.28ના રોજ પૂર્ણ થઈ હતી. જો કે સરકારે અરજી કરવાની સમય મર્યાદા 7 દિવસ વધારી 5 ડિસેમ્બર, 2025 સુધી લંબાવી દીધી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યનો કોઇપણ નુકસાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા સમય મર્યાદા વધારવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત 14 નવેમ્બરથી 15 દિવસ માટે અરજીઓ સ્વીકારવામાં આવી રહી હતી અને ઓનલાઈન પોર્ટલ krp.gujarat.gov.in કાર્યરત કરવામાં આવ્યું છે. પરંતુ હજી સુધી અનેક ખેડૂતો અરજી કરી શક્યા નથી, જેને ધ્યાનમાં લઈ તારીખ વધારો કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના તમામ નુકશાનગ્રસ્ત ખેડૂતોને અપીલ કરી છે કે જેઓએ હજી સુધી અરજી કરી નથી, તેઓ આવતા 7 દિવસમાં અવશ્ય અરજી કરે અને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ મેળવે.