માર્ગ અને મકાન વિભાગ દ્વારા જર્જરિત બનેલા સમય ગેઇટને સલામત રીતે ઉતારી લેવાયો મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ શહેરની ઓળખ સમો સમય ગેઇટ જર્જરિત બની જતા ગઈકાલે મોડીરાત્રે માર્ગ અને મકાન વિભાગ દ્વારા લોકો માટે જોખમી બનેલા સમય ગેઇટને સલામત રીતે ઉતારી લેવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીને જિલ્લા કક્ષાનો દરજ્જો મળ્યા પૂર્વે મોરબીના શનાળા રોડ ઉપર અંદાજે વર્ષ 2005ના સમયગાળામાં સમય ક્લોક દ્વારા મોરબીના પ્રવેશદ્વારે કલાત્મક દરવાજો મુક્યો હતો. જો કે, કાળ ક્રમે લોખંડના સ્ટ્રક્ચરથી બનેલા સમય ગેઇટના મૂળિયામાં કાટ લાગવાની શરૂઆત થતા સમય ગેઇટ કોઈ મોટી દુર્ઘટના સર્જી શકે તેવી સ્થિતિમાં મુકાયો હતો. જો કે, મોરબી માર્ગ અને મકાન વિભાગને સમય ગેઇટના પાયામાં કાટ અને સડો લગતા પ્રવેશદ્વાર જર્જરિત બન્યો હોવાનું જણાતા ગઈકાલે મોડીરાત્રે ટ્રાફિકની અવરજવર શાંત થયા બાદ સમય ગેઇટને ક્રેઈનની મદદથી ઉતારી લેવામાં આવ્યો હોવાનું મોરબી માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ અધિકારી હિતેષભાઇ આદ્રોજાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.