પ્રજાસત્તાક પર્વે હળવદના ટિકર ગામના મરજીવા જેવા તરવૈયાઓને સ્વખર્ચે સેફટી સાધનો ભેટ આપતા હળવદ ટીડીઓમોરબી : ઝૂલતા પુલ દુર્ઘટના સમયે જીવ સટોસટની બાજી લગાવી અનેક જિંદગીઓ બચાવવાની સાથે પાણીમાં ડૂબવાની કોઈપણ ઘટના સમયે સ્વખર્ચે 108ની જેમ દોડી જતા હળવદ તાલુકાના ટિકર રણ ગામના મરજીવા સમાન તરવૈયાઓની ટીમને આજે પ્રજાસતાક પર્વે હળવદ ટીડીઓ દ્વારા સલામતીના સાધનોની સ્વખર્ચે ભેટ આપવામાં આવી હતી.હળવદના દેવીપુર ગામે યોજાયેલ તાલુકા કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલ સિંધવ દ્વારા ટીકર (રણ) ગામના તરવૈયાઓની ટીમને રેસક્યું સાધન કીટ અર્પણ કરવામાં આવી હતી. હળવદ તાલુકાના ટીકર (રણ) ગામના 20 થી 22 યુવાનો દ્વારા માનવ સેવા એજ પ્રભુ સેવાના સુત્રને સાકાર કરતી એક ટીમ શ્રી ગણેશબાપા તથા જિલ્લા પંચાયત-મોરબીના પુર્વ સદસ્યશ્રી ધર્મેન્દ્રભાઈ એરવાડીયાના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે.ટિકર રણ ગામના આ મરજીવા જેવા જાંબાઝ ટીમના સભ્યો પાણીમાં ડૂબી જવાની કે કોઇપણ પ્રકારની કુદરતી આપદામાં સ્વ-ખર્ચે ખડે પગે રહી માનવ સેવાનું ઉમદા કાર્ય કરે છે. વાવાઝોડા, અતિવૃષ્ટિ, પુર, નર્મદા કેનાલમાં પડી જવાથી તણાયેલ વ્યકિતના બચાવ સહિતની કામગીરી આ ટીમ કોઇ પણ જાતના સ્વરક્ષણ વગર તેઓના જીવના જોખમે કાર્યને પાર પાડે છે.થોડા સમય અગાઉ મોરબી ખાતે બનેલ ઝુલતા પુલ દુર્ઘટનામાં પણ આ ટીમના ખંતિલા સભ્યો કોઇપણ પ્રકારની સુચનાની રાહ જોયા વગર ટીકર (રણ) થી તાત્કાલીક બનાવ સ્થળે પહોચી બચાવ કામગીરી હાથ ઘરી હતી. આ સમગ્ર ટીમ નિસ્વાર્થ ભાવે તેઓના જાનના જોખમની પરવા કર્યા વીના તેમના પારીવારીક તમામ કામો પડતા મુકી ઘટના સ્થળે મદદ માટે દોડી જતા હોય છે. જેથી તેઓનો આ જુસ્સો જોઇ આજના અવસરે આ ટીમના સભ્યો માટે આકસ્મિક સંજોગામાં તેઓના જીવન રક્ષણને ધ્યાને લઈ હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલ સિંધવ દ્વારા લાઇફ જેકેટ, બોયા, રોપ, હુક્સ, સેફ્ટી બેલ્ટ વગેરે જેવા આધુનિક સાધનો સાથેની રેસ્કયુ સાધનની કીટ આ ટીમના સભ્યોને ભેટ રૂપે અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી તથા સર્વે ઉપસ્થિતોએ આ ટીમ વધુમા વધુ લોકહિત કાર્યો કરતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.